ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું વિદાય લેતું હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય લંબાઈ ગઈ છે. સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે રાજયમાં અનેક ઠેકાણે શાકભાજીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદમાં શાકભાજીનો પાક ધોવાઈ ગયો છે. તેને પગલે બજારમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. તેથી બરોબર શ્રાદ્ધના સમયમાં જ શાકભાજી મોંઘા થઈ ગયા છે. ઈંધણનો દર વધારો, વરસાદ તેમજ પિતૃપક્ષ આ તમામ કારણોસર શાકભાજીના ભાવ વધી ગયા છે.
અહીં ઉલ્લેખનીય છે કે હજી થોડા દિવસ પહેલા જ બજારમાં શાકભાજીની ડિમાન્ડ સામે સપ્લાય વધુ હોવાથી શાકભાજીનો મોટા પ્રમાણમાં માલ બજારમાં આવતો હતો. તેથી શાકભાજીના ભાવ પણ ઊતરી ગયા હતા. ખેડૂતોને પણ તેને કારણે ભારે ફટકો પડયો હતો. ભાવ ઘટી જતા ખેડૂતોને પાણીના ભાવે શાકભાજી વેચવાનો વખત આવ્યો હતો. હોલસેલ બજારમાં તો શાકભાજીના ભાવ એકદમ ઉતરી ગયા હતા. તેને કારણે સેંકડો ખેડૂતોએ પોતાનો માલ રસ્તા પર ફેંકીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.
શાકભાજી બજારમાં આવવાનું ઓછું થતા તેના ભાવ વધી ગયા છે. એપીએમસી બજારમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. બજારમાં રોજની લગભગ 600 ગાડીને બદલે 484 ગાડીઓની આવક થઈ રહી છે. પ્રતિકિલો 10થી 20 રૂપિયા મળી રહેલી ભાજીઓ હવે 20થી 30 રૂપિયા પ્રતિકિલોનો દર થઈ ગયો છે. રિટેલ બજારમાં પણ તેનો ભાવ બેથી ત્રણ ગણો વધી ગયો છે.