ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈ પરાંનાં રેલવે સ્ટેશનો અને આસપાસના વિસ્તારમાં ગરદુલાઓનો ઉપદ્રવ વધી ગયો છે. જે રેલવે પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે. ગત અઢી વર્ષમાં ગરદુલાઓના અડ્ડા સ્ટેશન બહાર વધી ગયા છે અને જાન્યુઆરી 2019થી સપ્ટેમ્બર 2021 દરમિયાન 792 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોનો ત્રાસ વધવાથી રેલવે સ્ટેશન અને એની હદમાં પોલીસોને પહેરો ભરવાનો આદેશ રેલવે પોલીસ કમિશનરે બધાં જ પોલીસ સ્ટેશનો અને રેલવે સુરક્ષા બળોને આપ્યો છે.
મધ્ય રેલવેના CSMTથી ભાયખલા સુધી તેમ જ કુર્લાથી ઘાટકોપર, થાણેથી કલવા અને ડોમ્બિવલીથી કલ્યાણ આ હાર્બર રૂટ ઉપર વ્યસનનીઓએ અડ્ડા જમાવ્યા છે. પશ્ચિમ રેલવે રૂટ ઉપર ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ, દાદરથી ખાર ત્યાર બાદ અંધેરીથી બોરીવલી દરમિયાન કેટલાક ઠેકાણે ગરદુલાઓની અવરજવર વધી ગઈ છે. ક્યારેક ફ્લાયઓવરની નીચે તો ક્યારેક રાહદારી પુલ હેઠળ તેમના અડ્ડા જોવા મળે છે. રાતના સમયે તેઓ ટ્રેનોમાં ઘૂસી જાય છે અને પ્રવાસીઓ ઉપર હુમલાઓની ઘટના પણ બની છે.
ભાજપના આ આરોપથી મહાવિકાસ આઘાડી સરકારને ધ્રાસ્કો, આ પ્રધાનના જમાઈનો કર્યો કૉન્ટ્રૅક્ટ રદ; જાણો વિગત
કોરોનાને લીધે વર્ષ 2020માં રેલવે સ્ટેશનો ઉપરથી 57 ગરદુલાઓને તાબામાં લેવાયા હતા. રેલવે સ્ટેશનો ઉપરના પ્રવેશદ્વાર પાસે, પ્લૅટફૉર્મ અને રાહદારી પુલ તેમ જ પાટા નજીકની ઝૂંપડી પાસે પોલીસોનો પહેરો રહેતો હતો. એને લીધે આ સંખ્યા ઘટી હતી, પરંતુ હવે પ્રવેશદ્વાર નજીક રેલવે પોલીસ તેમજ પાટા નજીક પોલીસનો પહેરો ઘટી ગયો હોવાથી ત્યાં આ લોકોએ પગપેસારો કર્યો છે.
આ વ્યસનીઓ પાસેથી ગાંજો, ચરસ મળે છે. એથી તેમની ધરપકડ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેમને સુધારગૃહમાં મોકલાતા હોવાની માહિતી રેલવે પોલીસ દ્વારા મળી છે.