ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયામાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં 1લી ડિસેમ્બર થી તમામ શાળાઓ શરૂ થવાની છે. ત્યારે રાજ્ય સરકારે શાળા શરૂ કરવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તરત જ ટાસ્ક ફોર્સની ઓનલાઈન બેઠક બોલાવી હતી. ત્યારે આરોગ્ય મંત્રી રાજેશ ટોપે હાજર હતા. તે બેઠકમાં સોમવારે 29 નવેમ્બરે કેબિનેટની બેઠક યોજવાનું નક્કી કરાયું હતું. આ બેઠકમાં શાળા શરૂ કરવાના નિર્ણય અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.
ઓનલાઇન બેઠક દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે નવા કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રાજ્યએ તાત્કાલિક પગલાં લેવાનું શરુ કરવું જોઈએ. કેન્દ્રની સુચનાની રાહ ન જુઓ. સીએમ ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું છે કે એરપોર્ટ પર આવતા દરેક વિદેશી પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજીયાત કરવો. મુખ્યમંત્રીએ રાજ્યમાં રસીકરણ પર ભાર મૂકવાનો આગ્રહ કરતા કહ્યું હતું કે રસીકરણને તાત્કાલિક ધોરણે ઝડપી કરવામાં આવે. દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં જમ્બો કોવિડ કેન્દ્રો શરૂ કરવા માટે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે કોરોના નિયમોનો કડક અમલ કરવાનો પણ આદેશ આપ્યો હતો.
તેમજ છેલ્લા બે વર્ષમાં કોરોનાને લીધે લોકડાઉનનો સામનો કરવો પડ્યો હતો. જો હવે લોકડાઉન ન જોઈતું હોય તો સાવચેતીના નિયમોનું પાલન કરવું પડશે, એમ પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું. રાજ્ય સરકારે પહેલાથી જ કેન્દ્ર સરકાર પાસે દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોની પેસેન્જર ફ્લાઇટ્સ બંધ કરવા અથવા યોગ્ય પગલાં લેવાની માગ કરી છે. મુખ્યમંત્રીએ પ્રશાસનને એરપોર્ટ પર આવતા તમામ પ્રવાસીઓ પર ધ્યાન આપવાનો પણ આદેશ આપ્યો છે.