ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
એક વર્ષમાંઅદાણી ગ્રુપના શૅર એટલા ઝડપથી વધ્યા કે તેઓ ઝડપથી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોચ પર પહોંચી ગયા હતા, પરંતુ આજે અદાણી વિશેના એક સમાચારોથી શૅરબજારમાં શંકાનું વાતાવરણ સર્જાયું છે. આજે અદાણી ગ્રુપનું માર્કેટ ક્રેશ થયા બાદ સુચેતા દલાલ આખો દિવસ ચર્ચામાં રહી હતી છે. શૅરબજારમાં અદાણી જૂથ માટે આજે કાળો દિવસ હતો. અદાણી ગ્રુપના શૅરમાં એક જ દિવસમાં 5થી 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સુચેતા દલાલના એક ટ્વીટથી ટ્વિટર પર હવે ઉગ્ર ચર્ચા ઊભી થઈ છે.
સુચેતા દલાલે 12 જૂનને શનિવારે સવારે એક ટ્વીટ કર્યું હતું. તેમણે કોઈ કંપનીનું નામ લીધું ન હતું, પરંતુ ગંભીર કૌભાંડની ચેતવણી આપી હતી. તેમણે લખ્યું હતું કે “સેબી ટ્રેકિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ માહિતીના બ્લૅક બોક્સની બહાર સાબિત કરવા માટેનું વધુ એક કૌભાંડ એ છે કે ભૂતકાળના એક ઑપરેટરનું પરત આવવું, જે એક જૂથના ભાવમાં સતત દબાણ કરે છે. બધી વિદેશી સંસ્થાઓ દ્વારા! કંઈ બદલાયું નથી!” ત્યાર બાદ એક મીડિયા હાઉસમાં અહેવાલ છપાયો હતો કે નૅશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ અદાણી જૂથમાં રોકાણ કરનારી ત્રણ વિદેશી કંપનીઓનાં ખાતાં ફ્રીઝ કર્યાં છે.
આજે આ સમાચાર સાથે જ અદાણી જૂથના શૅરમાં કડાકો બોલાયો હતો. એક જ દિવસમાં, અદાણી જૂથની મૂડી રૂ. 1 લાખ 3 હજાર કરોડ ઘટી ગઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે સુચેતા દલાલ દેશની એક જાણીતી બિઝનેસ જર્નાલિસ્ટ છે. 1992ના હર્ષદ મહેતા કૌભાંડ અને 2001ના કેતન પારેખ કૌભાંડ ઉપરાંત એનરોન પ્રોજેક્ટમાં થતી ગેરરીતિઓને પણ બહાર પાડી હતી.