ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 જુલાઈ, 2021
સોમવાર
લગભગ 100 દિવસથી વધુ સમય સુધી દુકાનો બંધ રહ્યા બાદ સોમવારથી કોલ્હાપુરમાં ફરી તમામ દુકાનો ખૂલી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે ફરી દુકાનો ખોલવાની મંજૂરી આપતાં કોલ્હાપુરના વેપારીઓએ એની ઉજવણી કરી હતી. સવારના મુખ્ય બજારમાં વેપારીઓએ બળદગાડા પર સરઘસ કાઢીને આનંદ મનાવ્યો હતો. એટલું જ નહીં, પણ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી મળી એના આનંદમાં વેપારીઓએ તો બંને વેક્સિન લેનારા ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ સહિત અનેક લોભામણી સ્કીમ પણ જાહેર કરી દીધી છે.
મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડન્ટ અને રાજારામપુરી વેપારી ઍસોસિયેશનના પ્રેસિડન્ટ લલિત ગાંધીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે આજથી કોલ્હાપુરમાં તમામ દુકાનો સાંજે ચાર વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી સરકારે આપી દીધી છે. લગભગ 100 દિવસ સુધી કોલ્હાપુરમાં વેપારીઓનો ધંધો બંધ રહ્યો હતો. ગયા વર્ષના લૉકડાઉન બાદ આ બીજું મોટું લૉકડાઉન કોલ્હાપુરના વેપારીઓ માટે રહ્યું હતું. આટલા લાંબા સમય સુધી દુકાનો બંધ રહેવાથી વેપારીઓએ ભારે નુકસાન સહન કર્યું છે. છેવટે સરકારને ચેતવણી આપવામાં આવી હતી ત્યારે દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. એથી અમે બળદગાડા પર સરઘસ કાઢીને એનો આનંદ મનાવ્યો હતો. તેમ જ વેક્સિન અને માસ્કને લઈને લોકોમાં અવેરનેસ લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી મળી ગઈ છે. એ સાથે જ વેપારીઓ પણ પોતાની જવાબદારી પ્રત્યે સભાન રહેશે એમ કહેતાં લલિત ગાંધીએ જણાવ્યું હતું કે સરકારે અમને દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. તો અમે પણ અમારી જવાબદારી પ્રત્યે સમર્પિત રહીશું. દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એની તકેદારી લઈશું. દુકાનમાં કામ કરતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ અને વેક્સિનેશન પ્રત્યે અમે ધ્યાન આપશું તેમ જ લોકોમાં વેક્સિન અને માસ્ક પ્રત્યે જાગૃતિ ફેલાવાનું કામ કરશું. જે ગ્રાહકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે તેવા ગ્રાહકો માટે અમે ડિસ્કાઉન્ટ સહિત અનેક યોજનાની જાહેરાત કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે કોલ્હાપુરમાં લગભગ સાડાત્રણ મહિના બાદ ફરી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. એ માટે જોકે કોલ્હાપુરના વેપારીઓને સરકારને ધમકી આપવી પડી હતી. કોલ્હાપુરમાં પૉઝિટિવિટી રેટ વધુ હોવાનું તથા મૃત્યુદર વધુ હોવાનું કહીને સરકારે કોલ્હાપુરમાં ફક્ત અત્યાવશ્યક દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી હતી. જોકે સતત 3 મહિનાથી પણ વધુ સમયથી વેપારધંધો ઠપ્પ થઈ ગયો હોવાથી વેપારીઓ ઉશ્કેરાઈ ગયા હતા. સોમવારથી તમામ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી નહીં આપી તો વેપારીઓ તમામ દુકાનો ખોલી દેશે એવી વેપારીઓની ચીમકી સામે સરકારને ઝૂકવું પડ્યું હતું. છેવટે સરકારે સોમવારથી તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. સોમવારે કોલ્હાપુરમાં પૉઝિટિવિટ રેટ 9.92 ટકા રહ્યો હતો.