ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,27 જુલાઈ 2021
મંગળવાર.
કોરોનાને પગલે લાદવામાં આવેલા પ્રતિબંધને પગલે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં 3 મહિનાથી વધુ સમય સુધી દુકાનો બંધ રહી હતી. માંડ માંડ દુકાનો ખોલવાની મંજૂરી મળી હતી. તેમાં ગયા અઠવાડિયે પડેલા મુશળધાર વરસાદ અને આવેલા પૂરે બધુ તહેસનહેસ કરી મુક્યું છે. પાયામાલ થઈ ગયેલા કોલ્હાપુરના વેપારીઓએ તેમનો ધંધો ફરી ચાલુ કરી શકે તે માટે હવે મહારાષ્ટ્ર સરકાર પાસે વળતરની માગણી કરી છે. દરેક દુકાનદારને બેથી ત્રણ લાખ રૂપિયા આપવાની સાથે જ વ્યાજ વગરની લોન આપવાની માગણી કોલ્હાપુરની વેપારી સંસ્થાએ કરી છે.
મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીના સિનિયર વાઈસ પ્રેસીડન્ટ અને કોલ્હાપુરના રાજારામપુરી વેપારી અસોસિયેશનના પ્રેસિડન્ટ લલિત ગાંધીએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે કોરોનાને પગલે મૂકવામાં આવેલા નિયંત્રણને પગલે 115 દિવસથી પણ વધુ સમય સુધી દુકાનો બંધ રહી હતી. સરકાર સામે સતત લડત લડયા બાદ માંડ દસેક દિવસ પહેલા દુકાનો ખોલવાની મંજૂરી મળી હતી. વેપારીઓની ગાડી હજી પાટે પણ ચઢી નહોતી ત્યાં તો મુશળધાર વરસાદ અને પૂરે વેપારીઓ ને બરબાદ કરી મુક્યા છે. 2019ની અતિવૃષ્ટિ પછીની આ બીજી મોટી આફત વેપારીઓ પર આવી પડી છે. પૂર ત્યારબાદ કોરોના અને તેને કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં અત્યાર સુધી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આર્થિક રીતે વેપારીઓને હવે મદદ નહીં મળે તો વેપારીઓ માટે ફરી ઊભા થવું મુશ્કેલ થશે. તેથી જ અમે સરકાર પાસે વળતરની માગણી કરી છે.
કોલ્હાપુરના વેપારીઓ વરસાદ અને પૂરમાં બધુ ગુમાવી બેઠા હોવાનું બોલતા લલિત ગાંધીએ કહ્યું હતું કે, વેપારીઓ હંમેશા સરકારને સાથ આપ્યો છે. હવે વેપારીઓને સરકારના સાથની જરૂર છે. ધંધો ફરી ચાલુ કરવા માટે સરકારની થોડી આર્થિક મદદ પણ આ સમયે વેપારી માટે બહુ મોટી સાબિત થશે. તેથી જ નાના વેપારીઓને બેથી ત્રણ લાખ રૂપિયાની સરકારે મદદ કરવી જોઈએ એવી માગણી કરી છે. તેમ જ દુકાનદારોને વગર વ્યાજે લોન પણ મળે તે માટે સરકાર યોગ્ય પોલિસી તૈયાર કરેએવી વિનંતી પણ કરવામાં આવી છે.
અગાઉ પણ સરકારે કુદરતી આફત દરમિયાન વેપારીઓને આર્થિક સહાય કરી છે. લલિત ગાંધીએ કહ્યું હતું કે 2019ના વિનાશકારી પૂર દરમિયાન પણ વેપારીઓને ભારે નુકસાન થયું હતું. એ સમયે સરકારે દરેક વેપારીઓ ને લગભગ 50,000 રૂપિયાની આર્થિક મદદ કરી હતી. આ વખતે પણ મદદની આવશ્યકતા છે. જે વેપારીઓનો ઈન્શયોરન્સ હશે એમને કદાચ બહુ વાંધો નહીં આવવો જોઈએ. પરંતુ નાના વેપારીઓ તથા દુકાનદારો કે જેમના ઈન્શ્યોરન્સ નથી તેમને બહુ તકલીફ થવાની છે. તેથી સરકારે આગળ આવીને તેમને મદદ કરવી જોઈએ. સરકારે તેમને આર્થિક સહાય કરવાની સાથે જ વ્યાજ વગર લોન મળે તે માટે પોલિસી તૈયાર કરવાની આવશ્કતા છે. અમારી માગણી સરકાર સમક્ષ રાખી છે. બહુ જલદી સરકાર વેપારીઓને મદદ જાહેર કરશે એવી અમારી અપેક્ષા છે.