ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
અમદાવાદમાં 20 ઉદ્યોગગૃહો દ્વારા ખાદ્ય પદાર્થમાં મિલાવટ કરવામાં આવી રહી હોવાની ચોંકાવનારી વિગત આરટીઆઇમાં બહાર આવી છે. 20 ઉદ્યોગગૃહમાંથી ફક્ત 7 સામે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે 13 સામે હજી કાર્યવાહી ચાલી રહી હોવાનો જવાબ આપ્યો હતો. ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ દ્વારા કરવામાં આવેલી આરટીઆઇમાં આ ચોંકાવનારી વિગત બહાર આવી છે.
આરટીઆઇ કરનારા કાર્યકર્તાના કહેવા મુજબ અમદાવાદ બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોના પૅકેટ પર એક્સપાયરી ડેટ લખવામાં આવતી નથી. હલકી ગુણવત્તાનો સામાન વેચનારા સામે પગલાં લેવાની જવાબદારી સરકારની છે. છતાં તેના તરફ દુલર્ક્ષ કરવામાં આવી રહ્યું છે. જૂન 2020થી 2021 સુધીના સમયગાળામાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં 20 ગૃહઉદ્યોગો તથા ડેરી અને પાર્લરનાં સૅમ્પલ ચેક કરવામાં આવ્યાં હતાં. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ હોવાનું જણાયું હતું.