ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
બોમ્બે પોર્ટ ટ્રસ્ટે (BPT) તેની માલિકીની જમીનના ભાડામાં અધધધ કહેવાય એમ 3600 ગણો વધારો કર્યો છે, તેને કારણે દક્ષિણ મુંબઈમાં અત્યારે જે ઓફિસ માટે મામૂલી ભાડું ભરતા લોકોને લાખો રૂપિયાથી લઈને કરોડ રૂપિયાની આસપાસ ભાડું ચૂકવવું પડશે. BPTના આવા મનમાની ભર્યા અને એકતરફી ભાડા વધારાના નિર્ણય સામે વેપારીઓએ આંદોલન છેડવાની જાહેરાત કરી દીધી છે. એટલે સુધી કે વેપારીઓએ છેલ્લે સુધી લડી લેવાની તૈયારી પણ કરી લીધી હોવાનું માનવામાં આવે છે.
બોમ્બે પોર્ટ ટ્રસ્ટ દ્વારા ભાડામાં કરવામાં આવેલા ધરખમ વધારાથી નારાજ થયેલા વેપારી સંગઠન દારૂખાના આર્યન સ્ટીલ એન્ડ સ્ક્રેપ મર્ચન્ટ્સ (ડીસ્મા)ના સભ્યોની સોમવારે તાત્કાલિક ધોરણે કોલાબામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપારીઓએ બીપીટીએ મનસ્વીપણે એકતરફી કરેલા ભાડા વધારા સામે છેલ્લે સુધી કાયદાકીય લડતનો સહારો લેવાની જાહેરાત કરી હતી. તેમ જ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રસ્તા પર નહીં ઉતરતા સરકાર સામે ઓનલાઈન મોર્ચો ખોલવાના છે, તે માટે ટ્વિટર વોર છેડવામાં આવવાનુ છે.
વેપારીઓએ આ ભાડાવધારાને ગેરકાયદે ગણાવીને તેનો વિરોધ કર્યો છે. આ વિષય પર વેપારી સંગઠનોએ દારૂખાના આર્યન, સ્ટીલ એન્ડ સ્ક્રેપ મર્ચન્ટ એસોસિયેશનના નેજા હેઠળ એક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં સ્થાનિક વિધાનસભ્ય સહિત અનેક વેપારી સંગઠનોના પ્રતિનિધિ અને સ્થાનિક વેપારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જ હાજર રહેલા કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરે ડિસ્માને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ ભાડા વધારાને લઈને બીપીટી સાથે ચર્ચા કરશે. એટલું જ નહીં પણ આ બાબતને દિલ્હી સુધી લઈ જશે.
ડિસ્માના અગ્રણી સભ્યના કહેવા મુજબ બીપીટીએ ટેરિફ ઓથોરિટી ઓફ મેજર પોર્ટ( ટેમ્પ)ના માધ્યમથી આ ભાડો વધારો કર્યો છે. ભાડા વધારાનો નિર્ણય લીધો ત્યારે બજારની પરિસ્થિતિ તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. આ ભાડું 12 નવેમ્બર 2021ના દિવસે અલગ અલગ ગેઝેટના માધ્યમથી ઈસ્ટર્ન મુંબઈમાં સ્થિત મુંબઈ પોર્ટ ટ્રસ્ટની જમીનનું ભાડું રેડી રેકનર અને માર્કેટ રેટના હિસાબથી વધારવામા આવ્યું છે. જ્યારે કે સુપ્રીમ કોર્ટે 2004માં પોતાના નિર્ણયમાં ભાડાનું સ્વરૂપ નક્કી કર્યું હતું, જેની તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. હવે ભાડામાં વધારો હાલના ભાડાથી લગભગ 2800થી 36000 ગણો વધુ છે. (અલગ-અલગ જગા અને લીઝના પ્રકારના આધાર પર વધારો નક્કી કરવામાં આવ્યો છે)
ચોંકાવનારી વાત એ છે કે આ ભાડું આજની તારીખથી નહીં પણ 2012ની તારીખથી એટલે કે દસ વર્ષ પહેલાનાં સમયથી વધારવામાં આવવાનું છે, જેને બે સ્લેબમાં વહેંચી દેવામાં આવ્યું છે. 2012થી 2017 અને 2017થી 2022 સુધીના સમયગાળા માટે આ ભાડું વધારવામાં આવ્યું છે, તેને કારણે વેપારીઓને એક વખતમાં લાખોથી કરોડો રૂપિયા ચૂકવવા પડશે. જે લીઝ ધારક ભાડાની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તેને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડશે. અથવા તો તેને તેની જગ્યા ખાલી કરવી પડશે.
બીપીટીએ ભાડામાં એક સાથે કરેલા ભાડા વધારાને લઈને ડિસ્માના સભ્યોના કહેવા મુજબ બાપદાદાના સમયથી આ જમીન પર તેઓ વ્યવસાય કરી રહ્યા છે. ઘરખમ ભાડા વધારાને કારણે તેમનો બિઝનેસ ઠપ્પ થઈ જશે. વેપારીઓની સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટ વ્યવસાય તેમ જ રોજના કામ કરતા હજારો મજૂરોને આ ભાડાવધારો અસર કરવાનો છે. બીપીટીના આ નિર્ણયથી બીપીટીની જમીન પર ઓફિસ ધરાવતા લાખો લોકોને અસર થશે.
ડિસ્મા સાથે જોડાયેલા અન્ય સભ્યના કહેવા મુજબ બીપીટી કોઈ પણ હિસાબે આ જગ્યા ખાલી કરાવવા માગે છે. તેઓ પોતાની જમીનનો વિકાસ કરવા માંગે છે. એટલે માટે તેઓએ ભાડામાં સીધો વધારો કરી દીધો છે. અમારો ડેવલપમેન્ટ સામે કોઈ વિરોધ નથી. બાપદાદાના જમાનાથી જમીન વાપરતા હોય અને અચાનક ખાલી કરવા કહે તો તેની સામે જમીન કે પછી વળતર મળવું જોઈએ. લાખો લોકોની રોજગારી આ જગ્યા સાથે જોડાયેલી છે.
વેપારીઓના કહેવા મુજબ સમય સમય પર મુંબઈ પોર્ટ ટ્રસ્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. છતાં ચોંકાવનારી વાત છે કે વેપારીઓની ના કોઈ સુનાવણી થઈ ના કોઈ ઉકેલ લાવવામાં આવ્યો. વેપારીઓ પાસે આંદોલન સિવાય કોઈ ઉપાય બચ્યો નથી.
શેરબજારની નબળી શરૂઆત, યુદ્ધના ભણકારા વચ્ચે સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો કડાકો, તો નિફટી પણ…
અહીં ઉલ્લેખનીય છે કે લીઝ પર રહેલી ઓફિસના ભાડા વધારાને લઈને પાંચ ઓક્ટોબર 2021ના વેપારીઓએ દક્ષિણ મુંબઈમાં સાંસદ અરવિંદ સાવંતની હાજરીમાં એક નવા સંગઠનની જાહેરાત કરી હતી. આ સંગઠન ઈસ્ટર્ન મુંબઈ લેન્ડ યુઝર એસોસિયેશનના માધ્યમથી બીપીટી સામે લડત લડી રહ્યું છે અને હવે તે ટેમ્પ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટના આ નિર્ણય સામે લાંબી લડત લડવા માટે પણ મક્કમ બની ગયું છે.
વેપારીઓની માગણી શું છે?
ભાડું માફકના દરમાં અને સમય મુજબ વધારવું જોઈએ. ભાડુ 2012ની સાલથી બે અલગ અલગ સ્લેબમાં વધારવામાં આવ્યું છે, જેમા 2012થી 2017 અને ત્યારથી 2022 સુધીનો ચૂકવવો પડશે. તેને બદલે આજની તારીખથી ભાડું વધારો લાગુ કરવો જોઈએ. જે વેપારી આજે જે જગ્યા પર વેપાર કરી રહ્યા છે તેમને નિયમિત કરવામાં આવે અને તેમના નામ રજીસ્ટર કરવામાં આવે. તમામ કાયદાકીય પ્રક્રિયાને પાછી ખેંચી લેવી. જો કોઈ જગ્યા વેપારી પાસેથી લઈ લેવામાં આવે છે તો તેના બદલે તેમને બીજી જગ્યા આપવામાં આવે.