ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
લગભગ દોઢ વર્ષ પછી લોકોને તહેવારો મનાવવાની અમુક અંશે છૂટ મળી. નવરાત્રીના ઉત્સવમાં બજારોમાં થોડી રોનક દેખાઈ હતી. હવે દિવાળીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિવિધ વસ્તુઓના વ્યાપારીઓને આ વર્ષે દિવાળી સુધરે તેવી આશા બંધાઈ છે પરંતુ ડ્રાયફ્રુટના વ્યાપારીઓને વધુ અપેક્ષા હોય તેવું લાગતું નથી.
વિવિધ કારણોને લીધે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થયો છે. ગત દિવસોમાં થયેલી અતિવૃષ્ટિ, વાતાવરણમાં બદલ, ઇન્ટરનેશનલ બજારોમાં શિપિંગ મોડું થઈ રહ્યું છે. માલની અછતને લીધે ભાવમાં વધારો થયો હોવાનું વ્યાપારીઓનું કહેવું છે.
મસ્જિદ બંદરના હોલસેલ વ્યાપારી રાહુલ ગાલાએ જણાવ્યું હતું કે અત્યારે લોકલ ટ્રેનોમાં પ્રવાસની બધાને છૂટ મળી નથી. તેથી દૂર-દૂરથી આવનારા ગ્રાહકો ઘટી ગયા છે. બન્ને ડોઝ લીધેલા અમુક ગ્રાહકો એક દિવસ ખરીદી કરવા આવે છે તો તેમણે આખા મહિનાનો પાસ કઢાવીને આવવું પડે છે. તેથી રિટેલ શોપમાં ડ્રાયફ્રુટના ભાવ દોઢથી બે ગણા વધીને વેચાય છે. ઉપરાંત માલ ઓછો હોવાને કારણે જૂનમાં બદામનો એવરેજ ભાવ 600 રૂપિયા હતો. આજ ભાવ ઓગસ્ટમાં રક્ષાબંધન દરમિયાન વધીને 1100 રૂપિયા થઈ ગયો હતો. હવે ઓક્ટોબરમાં નવો માલ આવે અને ભાવ ઘટે તેવી શક્યતા છે. અમારી દુકાનમાં પુણે, પનવેલ, કર્જત વિરાર, વસઈ, ડોંબિવલી વગેરે ઠેકાણેથી આવનારા ગ્રાહકોની સંખ્યા ઘટી જવાથી વેચાણ પર અસર થઈ છે. દિવાળીમાં વેચાણ વધે તેવી આશા છે.
લોકડાઉન શિથિલ થયા બાદ ઓફિસો પણ ખુલી ગઈ છે. દિવાળીમાં ડ્રાયફ્રુટસ ઓફિસમાં કર્મચારીઓને ભેટ તરીકે આપવામાં આવે છે. આ કારણથી દિવાળીમાં સૌથી વધુ કમાણી વેપારીઓને થતી હોય જોકે વ્યાપારીઓને આ બાબતે પણ ઓછી અપેક્ષા છે. ઓફિસના કર્મચારીઓના પગાર ઘટ્યા છે અને ઓફિસો પોતાના ખર્ચામાં ઘટાડો કરી રહી હોવાથી જે લોકો પહેલા 1500થી 2000ના ડ્રાયફ્રુટ પેકેટ લેતા હતા. તે લોકો 800 રૂપિયા પ્રતિ પેકેટના ઓર્ડર લઈ રહ્યા છે.