ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
વેપારીઓની સમસ્યાઓના નિરાકરણ માટે દેશભરના વેપારીઓમાં એક મોટું રાષ્ટ્રીય આંદોલન કરવાનો કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા(CAIT)ની બે દિવસીય નેશનલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર વેપારીઓને ગણકારતી ન હોવાથી તેમની સામે પોતાની લડત લડવા વેપારીઓની પોતાની વોટ બેંક બનાવી ખાસ આંદોલન કરવાની ચીમકી પણ સરકારને વેપારીઓની સંસ્થા CAITએ આપી છે.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝમાં પદાધિકારીઓના કહેવા મુજબ સરકાર અને રાજકીય પક્ષો તેમની વાત સાંભળે છે જેમની પાસે મત આપવાની સત્તા હોય છે. જ્યાં સુધી દેશભરના વેપારીઓ પોતાની તાકાત નહીં બતાવશે ત્યાં સુધી કોઈપણ સરકાર કે રાજકીય પક્ષ વ્યાપારી સમસ્યાઓ પર ગંભીર નહીં થાય. તેથી દેશના વેપારીઓને એક કરી એક મોટી વોટબેંક બનાવવા આવશે.
BMCની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં બોલાશે સપાટો, એક સાથે આવશે આટલા પ્રસ્તાવ મંજૂરી માટે; જાણો વિગત
CAITના પદાધિકારીઓના કહેવા મુજબ સરકાર તેમને સાંભળતી નથી. તેથી સરકાર અને રાજકીય પક્ષો તેમને સાંભળે તે માટે વેપારીઓને પોતાની તાકત બતાવવી પડશે, ત્યાં સુધી સરકાર તેમને ગંભીરતાથી લેશે નહીં. તેથી દેશભરના વેપારીઓને એકજુટ કરવા માટે એક મોટી વોટ બેંક બનાવવામાં આવશે. તે માટે દેશભરમાં ખાસ આંદોલન ચલાવવામાં આવશે. વેપારીઓની સમસ્યા પર ધ્યાન નહીં આપ્યું તો ચૂંટણીમાં વેપારીઓ પણ તેમના પર ધ્યાન નહીં આપશે એવી ચીમકી પણ વેપારી સંસ્થા CAIT દ્વારા આપવામાં આવી છે.
CAIT પોતાની માગણી સાથે એક વેપારી ચાર્ટર તૈયાર કરી રહ્યું છે, જેમાં નીચેના મુદ્દાઓને આવરી લેવામાં આવવાના છે.
1. ગુડ્સ સર્વિસ ટેક્સ(GST) ટેક્સ કાયદાની જટિલતાઓને દૂર કરીને એક સરળ ટેક્સ સિસ્ટમ બનાવવી જોઈએ અને GST કાયદા અને નિયમોની નવેસરથી સમીક્ષા કરીને કાયદામાં જરૂરી ફેરફારો કરવા જોઈએ.
2. ઈ-કોમર્સ માં વિદેશી કંપનીઓના કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરતી નીતિ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ઈ-કોમર્સ નીતિ તાત્કાલિક જાહેર કરવી જોઈએ તથા ઈ-કોમર્સ માટે નિયમનકારી સત્તાની રચના કરવી જોઈએ.
3. દેશમાં તરત જ નેશનલ રિટેલ પોલિસી જાહેર કરવી જોઈએ.
4. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની નવેસરથી સમીક્ષા થવી જોઈએ.
5. કપડાં અને ફૂટવેર પર ફ્કત 5% GST ટેક્સ જ લગાડવો.
6. વેપારીઓ પરના તમામ કાયદાઓની સમીક્ષા થવી જોઈએ અને જે કાયદા નકામા છે તેને રદ કરવા જોઈએ અને અન્ય તમામ કાયદા સમયાંતરે બદલવા જોઈએ.
7. વ્યવસાય કરવા માટે લાગુ પડતા તમામ લાયસન્સ નાબૂદ કરવા જોઈએ અને એક લાયસન્સ બનાવવું જોઈએ જે આધાર કાર્ડ જેવું હોય અને તેને દરેક જગ્યાએ માન્યતા મળવી જોઈએ.
8. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના ધોરણો દેશના વ્યવસાયને અનુરૂપ હોવા જોઈએ.
9. મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે મહિલા ઉદ્યોગ સાહસિક યોજના બનાવવી જોઈએ અને યુવાનોને વ્યવસાયમાં પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય યુવા સાહસિક યોજના બનાવવી જોઈએ.
10. વેપારીઓને આપવામાં આવતી પેન્શન યોજનામાં સુધારો કરવામાં આવે અને ઉત્તર પ્રદેશની જેમ વેપારીઓને પણ સરકાર દ્વારા વીમો આપવામાં આવે.
11. વેપારીઓ માટે આવકવેરામાં અલગ કન્સેશન સ્લેબ બનાવવો જોઈએ.
12. દરેક જિલ્લા સ્તરે વેપારીઓ અને જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત સમિતિની રચના કરવી જોઈએ જેથી કરીને વેપારીઓના પ્રશ્નોનું જિલ્લા સ્તરે જ નિરાકરણ આવે.
CAITના પદાધિકારીના કહેવા મુજબ આ ચાર્ટર ની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કર્યા બાદ દેશભરના વેપારીઓમાં લોકજાગૃતિ કર્યા બાદ સ્થાનિક કક્ષાએથી લઈને કેન્દ્ર સરકારને તાકીદે તેનો અમલ કરવા તાકીદ કરવામાં આવશે અને જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો તેના પર ટૂંક સમયમાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.