ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જુલાઈ, 2021
શનિવાર
મહારાષ્ટ્રના કોકણ, મધ્ય મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદે અનેક તબાહી મચાવી દીધી છે. એમાં પણ કોરોના મહામારી બાદ હવે કોલ્હાપુર અને સાંગલીના વેપારીઓ ઉપર હવે વરસાદ અને પૂરની આફત આવી પડી છે. વરસાદનાં અને પૂરનાં પાણી દુકાનોમાં ઘૂસી ગયાં હતાં. એથી દુકાનો ખોલવાની મંજૂરી આપવાની માગણી સાથે સાંગલીમાં શુક્રવારે વેપારીઓએ મોરચો કાઢ્યો હતો, તો ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (કેમિટ)એ નાના વેપારીઓને દુકાન ખોલવાની મંજૂરી માગતો પત્ર રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારને લખ્યો છે.
પહેલાંથી કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે આર્થિક રીતે બરબાદ થઈ ગયેલા વેપારીઓને માથેથી મુસીબત હટવાનું નામ નથી લેતી. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. કોલ્હાપુર, સાંગલી, સતારા, ચિપલૂણ, રાયગઢમાં વરસાદે કાળો કેર મચાવ્યો છે, ત્યારે કોલ્હાપુર, સાંગલીમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરને પગલે દુકાનોમાં પાણી ભરાઈ ગયાં છે. વેપારીઓએ મહારાષ્ટ્ર સરકાર પાસે દુકાનો ખોલવાની મંજૂરી માગી છે. જેથી કરીને તેઓ દુકાનમાં ભરાયેલાં પૂરનાં પાણી કાઢી શકે અને દુકાનમાં થયેલા નુકસાનનો તાગ મેળવી શકે. ખાસ કરીને સાંગલીમાં તો વેપારીઓ બેહાલ થઈ ગયા છે.
કેમિટના પ્રેસિડન્ટ મોહન ગુરનાનીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે કોલ્હાપુરમાં તો વેપારીઓની ધમકીને પગલે સરકારે દુકાનો ગયા અઠવાડિયાથી ખોલવાની મંજૂરી આપી હતી, પરંતુ સાંગલીમાં તો સળંગ 115 દિવસથી દુકાનો બંધ છે. પહેલાંથી જ કોરોનાને કારણે લાદેલા લૉકડાઉનને પગલે વેપારીઓ બરબાદ થઈ ગયા છે. એમાં હવે વરસાદ અને પૂરનાં પાણી દુકાનમાં ભરાઈ ગયાં છે. એથી વેપારીઓએ તેમની દુકાન ખોલીને એમાં ભરાયેલાં પાણીનો નિકાલ કરવાની અને દુકાનને કેટલું નુકસાન થયું છે એ તપાસ કરવા માટે દુકાનો ખોલવાની મંજૂરી માગી છે. સરકાર ટસની મસ નથી થતી. છેવટે શુક્રવારે સાંગલીના વેપારીઓએ દુકાનો ખોલવાની મંજૂરી માગવા માટે મોરચો કાઢ્યો હતો.
નવી મુંબઈની એપીએમસીમાં શાકભાજી સસ્તી પરંતુ રિટેલ બજારમાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને; જાણો વિગત
વેપારીઓને દુકાન ખોલવાની મંજૂરી માગતો પત્ર લખવા બાબતે મોહન ગુરનાનીએ કહ્યું હતું કે વેપારીઓ સરકારને સતત વિનંતી કરી રહ્યા છે, પરંતુ તેમને સાંભળવામાં આવતા નથી. એથી નાછૂટકે અમે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ શરદ પવારને સાંગલીમાં દુકાનો ખોલવાની અને કોલ્હાપુરમાં થોડો વધુ સમય માટે દુકાનો ખોલવાની મંજૂરી આપવા માટે પત્ર લખ્યો છે.