ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જુલાઈ, 2021
ગુરુવાર
કોલ્હાપુરમાં છેલ્લા 100 દિવસથી તમામ દુકાનો બંધ છે. વારંવારની વિનંતી બાદ પણ મહારાષ્ટ્ર સરકાર સાંભળતી નથી. એથી કોલ્હાપુરના વીફરેલા વેપારીઓએ સરકારને શુક્રવાર સુધીની એક દિવસની મુદત આપી છે. જો એક દિવસમાં કોઈ નિર્ણય નહીં લીધો તો સોમવારથી તમામ દુકાનો ખોલી નાખવાની ચીમકી વેપારી સંસ્થાઓએ આપી છે.
મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉર્મસ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને કોલ્હાપુરના રાજારામપુરી વેપારી ઍસોસિયેશનના પ્રેસિડન્ટ લલિત ગાંધીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષમાં કોલ્હાપુરના વેપારીઓ આ બીજા મોટા લૉકડાઉનનો સામનો કરી રહ્યા છે. સતત 100 દિવસથી કોલ્હાપુરમાં અત્યાવશ્યકને બાદ કરતાં તમામ દુકાનો બંધ છે. સરકારને દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવાની સતત વિનંતી કરી રહ્યા છીએ, પણ કોઈ ફાયદો નથી. શુક્રવારે આરોગ્યપ્રધાન રાજેશ ટોપે કોલ્હાપુર આવવાના છે. અમે તેમને રજૂઆત કરવાના છીએ. જો કોલ્હાપુરમાં દુકાનો ખોલવાની મંજૂરી આપી નહીં તો સોમવારથી તમામ દુકાનો અમે ખોલી નાખીશું. સરકારને જોઈએ તો પોલીસને બોલાવે કે મિલિટરીને બોલાવે. હવે વેપારીઓમાં સહનશક્તિ રહી નથી.
નાના વેપારીઓ ખતમ થઈ ગયા છે. હવે તેઓ આત્મહત્યા કરે એની શું રાહ જોવાઈ રહી છે એવી નારાજગી વ્યક્ત કરતાં લલિત ગાંધીએ જણાવ્યું હતું કે કોલ્હાપુરમાં વચ્ચે એક અઠવાડિયા પૂરતું પૉઝિટિવિટી રેટ 10ની નીચે આવતાં દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી મળી હતી. હવે ફરી પૉઝિટિવિટી રેટ વઘી ગયો છે અને કોલ્હાપુર લેવલ 4માં આવે છે એવું કહીને તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. ગયા વર્ષે લૉકાડાઉન હતું અને હવે છેલ્લા 100 દિવસથી દુકાનો બંધ છે. કર્મચારીઓના પગાર, સરકારના કરવેરા, લાઇટબિલ, ઘરખર્ચા આ બધું વેપારીઓ કઈ રીતે પહોંચી વળશે. ખર્ચાને પહોંચી વળવા વેપારીઓ હવે શાહુકાર પાસેથી લોન લઈ રહ્યા છે. વેપારીઓની હાલત પણ દેવામાં ડૂબેલા ખેડૂતો જેવી થઈ ગઈ છે.
શુક્રવાર સુધીમાં નિર્ણય નહીં લીધો તો અમે દુકાનો ખોલી નાખીશું એવી ચીમકી સરકારને આપનારા લલિત ગાંધીએ કહ્યું હતું કે ગયા અઠવાડિયે મુખ્ય પ્રધાનને મળીને રજૂઆત કરી હતી. જોકે તેમણે કોઈ જવાબ આપ્યો નથી. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા શરદ પવારને પણ અમે મદદ માટે પત્ર લખ્યો છે. શુક્રવારે રાજેશ ટોપેને પણ રજૂઆત કરવાના છીએ. સરકાર અમારી તકલીફ પ્રત્યે ધ્યાન નહીં આપે તો અમારે પોતાનું અસ્તિત્વ જાળવવા માટે દુકાનો ખોલવા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી.
કોલ્હાપુર જિલ્લા વ્યાપારી ઉદ્યોજક મહાસંઘના પ્રેસિડન્ટ સદાનંદ કોરેગાંવકરે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે ‘’પૉઝિટિવિટી રેટ વધુ છે કહીને તમામ દુકાનો સરકારે બંધ કરાવી દીધી છે. હવે કોરોનાની ત્રીજી લહેરનું કારણ આગળ કરીને વેપારીઓને વધુ ડરાવી રહી છે. ક્યાં સુધી વેપાર-ધંધો બંધ રાખીને બેસવાનું. સરકારે વેપારી વર્ગને કોઈ રાહત જાહેર કરી નથી. વેપારીઓએ કઈ રીતે લૉકડાઉનમાં પોતાના વ્યવસાયને ટકાવી રાખવો?’’