ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ઔદ્યોગિક ક્ષેત્રને કોરોનાને પગલે ભારે ફટકો પડ્યો છે, એમાં પણ ઊંચા GST રેટને કારણે અનેક ઉદ્યોગોને ધંધામાં ભારે અસર થઈ છે. ખાસ કરીને ઑટો ઉદ્યોગને ઊંચા GST દરને પગલે ભારે અસર થઈ હતી. હવે જોકે ઑટોમોબાઇલ ઉપર GST દર ઘટાડવાની તૈયારી કેન્દ્ર સરકારે બતાવી છે. એથી ફરી એક વખત ઑટો ઉદ્યોગ માટે અચ્છે દિન આવી શકે છે.
કાર, મોટરબાઇક્સ અને ટ્રક સહિતના ઑટોમોબાઈલ પર 28 ટકા જેટલો ઊંચો GST દર અત્યારે છે. એમાં અમુક રાજ્યો દ્વારા પણ ટૅક્સ લાગુ થતો હોય છે. ઊંચા ટૅક્સ દરના કારણે ગ્રાહકો વાહનની ખરીદીથી દૂર ભાગતા હતા. એથી અવળી અસર ઑટો ઇન્ડસ્ટ્રીને પડી હતી. લાંબા સમયથી GST ઘટાડવાની માગણી થઈ રહી હતી.
નવાં વાહનો અને પર્યાવરણના નિયમો તથા સેફ્ટીના નિયમોનું પાલન તથા કાચા માલના વધતા ભાવને કારણે વાહનો મોંધાં થઈ ગયાં છે. એમાં GSTના ઊંચા દરથી વાહનોની કિંમતમાં હજી વધારો થયો હતો. ત્યારે હાલમાં જ સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફેક્ચરર્સ દ્વારા આયોજિત એક કૉન્ફરન્સમાં કેન્દ્રીય મહેસૂલ સચિવ તરુણ બજાજે GST સહિતના કરવેરા બાબતે સરકાર ચર્ચા કરવા તૈયાર હોવાનું કહ્યું હતું. અમુક શ્રેણીમાં આવતાં વાહનો માટે કરવેરા ઓછા કરવા શક્ય હશે તો એ કરવા સરકાર તૈયાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.