ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 જુલાઈ 2021
બુધવાર
દિલ્હી હાઈ કોર્ટમાં એક વિચિત્ર કેસ આવ્યો છે, જેમાં કાપડનો એક્સપૉર્ટનો બિઝનેસ કરનારા રાજન અરોડા નામના વેપારીએ તેની મંજૂરી વગર તેનું આધાર કાર્ડ ગેરકાયદે વાપરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી છે. તેણે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરીને એવો દાવો કર્યો છે કે તેની જાણ બહાર અમુક વિદેશી સંસ્થાઓ સાથે તેનું આધાર કાર્ડ લિન્ક કરી દેવામાં આવ્યું છે.
વેપારીએ એવો ડર વ્યક્ત કર્યો હતો કે આધાર કાર્ડને કારણે તેના નામનો ઉપયોગ કરીને મની લૉન્ડ્રિંગ જેવા ગેરકાયદે ધંધા થઈ શકે છે. તેણે કોર્ટને વિનંતી કરી હતી કે કેન્દ્ર સરકાર અને UIDAI તેના નામ પર બીજું આધાર કાર્ડ આપે. એથી તેના મૌલિક અધિકારની રક્ષા થઈ શકે તથા તેના આધાર કાર્ડનો દુરુપયોગ થતાં અટકાવી શકાય. કોર્ટે તેની અરજી પર સુનાવણી કરતાં સમયે કેન્દ્ર સરકાર અને આધાર કાર્ડ ઇશ્યૂ કરનાર UIDAI ને નોટિસ આપી જવાબ નોંધવાનું કહ્યું છે. આગામી સુનાવણી 9 સપ્ટેમ્બરનાં થવાની છે.
આ ભારતીય વ્યક્તિએ રચ્યો સુવર્ણ ઇતિહાસ; ઑલિમ્પિક માટે જિમ્નેસ્ટિક્સના જજ બનનાર પ્રથમ ભારતીય બન્યા
વિગત જાણીએ તો વેપારી રાજન અરોડાને તેના યુરોપિયન ક્લાયન્ટના માધ્યમથી તેનું આધાર કાર્ડ વિદેશી સંસ્થા સાથે જોડાયેલું હોવાની જાણ થઈ હતી. આ સંસ્થાઓ સાથે તેનો કોઈ સંબંધ નહોતો. એથી તેણે પોતાના આધાર કાર્ડનો દુરુપયોગ થતાં અટકાવવા માટે 3 માર્ચના સંબંધિત વિભાગને પત્ર લખ્યો હતો. પરંતુ તેને સંતોષજનક જવાબ મળ્યો નહોતો. આ દરમિયાન તેને 15 માર્ચના UIDAI તરફથી જવાબ આવ્યો હતો કે કાયદા મુજબ કોઈ પણ નાગરિકને ડુપ્લિકેટ આધાર કાર્ડ આપવામાં આવતું નથી. એથી નાછૂટકે રાજન અરોડાએ આધાર કાર્ડ માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.