ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર 2021
શનિવાર.
કોરોના મહામારીમાંથી દેશ ધીમે ધીમે બહાર નીકળ્યો છે, તેની અસર દીવાળીના તહેવારમાં જોવા મળી છે. આ વર્ષે દીવાળીના તહેવારમાં દેશભરમાં લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે. ગ્રાહકો અને વેપારી આલમ આ બંને વર્ગ માટે આ વર્ષની દીવાળી લાભદાયી રહી છે.
કોરોનાને પગલે છેલ્લા બે વર્ષ બાદ આ વખતે દીવાળીના તહેવારમાં લોકોએ ધૂમ ખરીદી કરી છે. તેમાં પણ ચીની માલની બહિષ્કારની લોકો પર સારી એવી અસર રહી છે. દીવાળીમાં સારી ખરીદીને પગલે વેપારી વર્ગને જ નહીં પણ દેશની આર્થિક સ્થિતને પણ બુસ્ટર મળ્યું છે.
કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)ના કહેવા મુજબ ગયા વર્ષથી ચીની સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી રહી છે. જેને પગલે આ વર્ષે દીવાળીમાં ચીનને 50,000 કરોડ રૂપિયાથી વધુ આર્થિક વેપારમાં નુકસાન થયું છે. આ વર્ષે દેશના નાના કારીગરો, કુંભાર, શિલ્પકાર અને સ્થાનિક કલાકારો માટે શુભદાયી રહ્યું છે રાજ્ય સતરે , જિલ્લા સ્તરે અને સ્થાનિક સ્તરે હજારો નાના ઉત્પાદકોને પોતાની બ્રાન્ડનું વેચાણ કરવાની સારી તક મળી હતી.
CAITના વરિષ્ઠ પદાધિકારીના કહેવા મુજબ CAITના રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટીએ દેશના જુદા જુદા રાજ્યના 20 શહેરમાં વેચાણને લઈને એક સર્વેક્ષણ કર્યો હતો, જેમાં જણાઈ આવ્યું હતું કે પૂરા દેશમાં દીવાળીના તહેવાર દરમિયાન લગભગ 1.25 હજાર કરોડ રૂપિયાથી વધુ વેચાણ થયું છે. તો જુદા જુદા રાજયમાં ફટાકડાના લઈને રહેલી પોલિસીને કારણે ફટાકડાના નાના ઉત્પાદકોના વ્યવસાયને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો પેકેજિંગ વેપારમાં આ વર્ષે સારો વ્યવસાય રહ્યો છે. દીવાળીમાં લગભગ 15હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ આ ઈન્ડસ્ટ્રીને થયો છે. બજારમાં જે પ્રમાણે ખરીદી થઈ રહી છે, તેને જોતા ડિસેમ્બર 2021 સુધી દેશભરની બજારોમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ બજારમાં ઠલવાશે. તેને પગલે આર્થિક વ્યવસ્થા ફરી પાટે ચડશે અને વેપારીઓનું પણ આર્થિક સંકંટ દૂર થશે.
સારા સમાચારઃ તહેવારોમાં ખાદ્ય તેલના ભાવ ઘટાડવા સરકારે લીધું આ પગલું ; જાણો વિગત
આ વર્ષે દીવાળીમાં ખાસ કરીને રમકડા, ઈલેક્ટ્રિક ઉપકરણ અને સામાન, રસોઈના સામાન, મિઠાઈ, હોમ ફર્નિશિંગ, ટેપેસ્ટ્રી, વાસણ, સોનું- દાગીના, ચપ્પલ, ફર્નીચર, કપડા, ઘરની સજાવટનું સામાન, માટીના દીવા વગેરે વસ્તુઓનું જબરદસ્ત વેચાણ રહ્યું છે.