ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જૂન 2021
બુધવાર
મોંઘવારીએ માઝા મૂકી છે. ખાદ્ય તેલમાં ઊંચા ભાવે રસોડાનું બજેટ ઉપર-નીચે કરી નાંખ્યું છે. છેલ્લા થોડા મહિનામાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. એવામાં આગામી દિવસોમાં ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો થવાના સંકેતો મળી રહ્યા છે.
છેલ્લા થોડા મહિનાથી તેલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રતિ લિટર 100 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. તેલના ભાવ અંકુશમાં લાવવા અનેક બેઠકો કરનારી સરકારે ખાદ્ય તેલના આયાત પર ટેરિફ વેલ્યૂ ઘટાડી દીધી છે. તેથી આગામી દિવસમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા જણાય છે.
અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરના જણાવ્યા મુજબ ભારત ઇન્ડોનેશિયા અને મલેશિયા પાસેથી સૌથી વધુ પામતેલની આયાત કરે છે. ઇન્ડોનેશિયાએ પામતેલના એક્સપૉર્ટ પર લેવી 255 ડૉલર પ્રતિ ટન ઘટાડીને 175 ડૉલર પ્રતિ ટન કરી છે. એને પગલે મલેશિયામાં પામતેલના ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી શકે છે, તો કેન્દ્ર સરકાર પણ ખાદ્ય તેલો પરની ઇમ્પૉર્ટ ડ્યૂટી ઘટાડવા બાબતે વિચાર કરી રહી છે. એની અસર તેલના ભાવ પર જોવા મળશે.
ખાદ્ય તેલના ઉત્પાદનમાં થયેલો ઘટાડો પણ ભાવવધારા માટે જવાબદાર ગણવામાં આવે છે. ઇન્ડોનેશિયા અને મલેશિયામાં રમજાન દરમિયાન મોટા ભાગે કામ બંધ હોય છે. રમજાન પૂરા થયા બાદ લોકો ફરી કામે જોડાયા હતા. એથી પામતેલના પ્રોડક્શનમાં વધારો થશે.
ખાદ્ય તેલ સાથે જોડાયેલા વેપારીઓના કહેવા મુજબ સરકાર ઇચ્છે તો ભાવમાં ઘટાડો થઈ શકે છે. એ માટે તેઓએ રિફાઇન્ડ પામોલિન તેલની આયાત ચાલુ કરી દેવી જોઈએ. ખાદ્ય તેલ પરની 35 ટકા આયાત શુલ્ક અને કૃષિ કલ્યાણ સેસને હટાવી દેવી જોઈએ. તેમ જ ભાવ અંકુશમાં આવે નહીં ત્યાં સુધી એના પર રહેલો પાંચ ટકા GST રદ કરવો જોઈએ. સરકારે પબ્લિક ડિસ્ટ્રબ્યુશન સિસ્ટમ હેઠળ ઓછા ભાવે લોકોને તેલ ઉપલ્બધ કરાવું જોઈએ.