ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જૂન 2021
સોમવાર
આજથી ફરીથી મહારાષ્ટ્રના તમામ જિલ્લા અને શહેરોમાં લેવલ 3 હેઠળના પ્રતિબંધ અમલમાં મૂકી દેવામાં આવ્યા છે. આજથી તમામ દુકાનો સાંજના ફક્ત 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. સરકારના આ નિર્ણયથી ફરી એક વખત દુકાનો લાંબા કલાકો સુધી ખુલ્લી રાખવાની વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. વેપારીઓની સંસ્થા ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર અસોસિયેશને ફરી એક વખત મુંબઈ મહાનગરપાલિકા સહિત મહારાષ્ટ્ર સરકારને પત્ર લખીને દુકાનો સવારના 11 વાગ્યાથી 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી માગી છે. જોકે મુંબઈ મહાનગરપાલિકા કોઈ વાત સાંભળવાના મૂડમાં નથી.
મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. છતાં મુંબઈ મહાનગરપાલિકા કોઈ રાહત આપવાના મુડમાં નથી. હવે FRTWA એ ફરીથી પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ અને મહારાષ્ટ્ર સરકારને પત્ર લખીને દુકાનો સવારના 7 વાગ્યાથી ચાર વાગ્યાને બદલે સવારના 11 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી માગી છે. આ વખતે જોકે તેઓએ સરકારના અને પાલિકાની કામગીરી વખાણ કર્યા છે પણ સાથે જ વેપારીઓની પરિસ્થિતની દયા ખાવાની પણ વિનંતી કરી છે.
મુંબઈ મહાનગર કોરોનાની ત્રીજી લહેરની સાથે જ ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું નવુ જોખમ મહારાષ્ટ્રમાં નિર્માણ થયું છે. તેથી સરકારે લેવલ 3ના નિયમો લાગુ કર્યા છે. ત્યારે વેપારીઓએ આ વખતે સરકારના કોરોનાને રોકવા માટે લેવામાં આવી રહેલા પગલાને સરાહનીય ગણાવ્યું છે. વેપારીઓના કહેવા મુજબ કોરોનાને રોકવા સરકાર યોગ્ય પગલા લઈ રહી છે. મુંબઈ સહિત રાજ્યમાં વેક્સિનેશન પર પણ ઝડપથી કરી રહી છે. તેને કારણે કોરોનાને નિયંત્રણમાં લાવવામાં બહુ સફળતા મળી છે. પરંતુ કોરોનાને પગલે દોઢ વર્ષથી સતત નુકસાન સહન કરી રહ્યા છે. મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હોવાથી રાહત મળશે એવી અપેક્ષા હતી. દિલ્હીમાં દુકાનો ખુલ્લી રાખવાની તથા મોલને 50 ટકા ક્ષમતા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. તે મુજબ મુંબઈને પણ રાહત મળશે એવી અપેક્ષા હતી. પરંતુ ફકત ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાના નિર્ણયને કારણે અમારા પર હવે ધંધો બંધ કરવાની પરિસ્થિતી આવી ગઈ છે.
વેપારીઓના કહેવા મુજબ નિયમો ફકત દુકાનદારોને છે. ઈ-કોર્મસ એટલે કે ઓનલાઈન ધંધો કરનારાને કોઈ પ્રતિબંધ નથી. ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ નથી. તો નિયમ ફકત દુકાનદારો પર શા માટે? હવે તો અમારી પર દયા કરો એવી આજીજી પણ વેપારીઓ દ્વારા પાલિકાને કરવામાં આવી છે. પરંતુ પાલિકા ડેલ્ટા પ્લસના જોખમને જોતા દુકાનોનો સમય લંબાવી આપવાના મૂડમાં નથી. તેથી ફરી એક વખત વેપારીઓને નિરાશ થવાનો વખત આવ્યો છે.