News Continuous Bureau | Mumbai
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ખાદ્ય તેલની કિંમતમાં ઉછાળો આવ્યો છે. યુદ્ધ પૂરા થવાના સંકેત જણાતા નથી. તેથી આગામી દિવસોમાં ખાદ્ય તેલની અછત સર્જવાની સાથે જ કિંમત આસમાને પહોંચી જવાને ડરે હવે ગૃહિણીઓએ ખાદ્ય તેલનો સંગ્રહ કરવાનું ચાલુ કરી દીધું હોવાનું જણાઈ આવ્યું છે.
ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) મેટ્રોપોલિટન મુંબઈ પ્રાંતના અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે સરકારે વેપારીઓ-મિલરો માટે સ્ટોક રાખ્યો હોવાની જાહેરાત કરી હોવા છતાં ગૃહિણીઓને ખાદ્યતેલની અછતનો ડર સતાવી રહ્યો છે. બીજી તરફ યુક્રેનમાં યુદ્ધ ખતમ થાય તેમ જણાતું નથી. તેથી બજારમાં હજુ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
શંકર ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે બજારમાં વેપારી પાસે આગામી એક મહિના સુધી ચાલે એટલા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે અને આયાત પણ થઈ રહી છે. એ સાથે જ સ્થાનિક ઉત્પાદનમાં સરસવ, મગફળીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેથી ગ્રાહકોએ ધીરજ રાખવાની જરૂર છે અને તેનો સંગ્રહ નહીં કરી રાખતા જરૂરિયાત મુજબ જ ખરીદી કરવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયો નોંધપાત્ર ઘટાડો, આજે આટલા ડોલર સસ્તું થયું તેલ.. જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે ભારત 80 ટકા સૂર્યમુખી તેલની આયાત યુક્રેન અને રશિયાથી કરે છે. જોકે આપણા દેશમાં ખાદ્ય તેલની કુલ આયાતમાં સૂર્યમુખી તેલનો ફાળો માત્ર 15% છે.
CAITના અન્ય પદાધિકારીના કહેવા મુજબ લોકોએ ડરવાની જરૂર નથી. આપણા દેશમાં શીંગદાણા તેલ, સોયાતેલ અને પામ ઓઈલ સહિતના ખાદ્યતેલોનો પૂરતો પુરવઠો હોવાથી લોકોએ ડરના કારણે વધુ ખાદ્યતેલ ખરીદવાની જરૂર નથી. અમે કેન્દ્ર સરકારને પણ વિનંતી કરી છે કે ઈન્ડોનેશિયા, રશિયા અને ખાદ્યતેલના કિસ્સામાં તેલ, વધુ ખાદ્યતેલનું ઉત્પાદન કરતા દેશો સાથે વાત કરીને શક્ય તેટલી વહેલી તકે ખાદ્યતેલની આયાત કરવી, આયાત કર્યા બાદ બંદરો પર ખાદ્યતેલોની મંજૂરી મળી જાય તેવા જરૂરી પગલાં લેવામાં આવે જેથી સપ્લાય જળવાઈ રહે એવી વિનંતી પણ કરી છે.