ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જુલાઈ, 2021
શનિવાર
કેન્દ્ર સરકારે દેશભરમાં 16 જુલાઈથી સોના પર હૉલમાર્કિંગ ફરજિયાત કરી નાખ્યું છે. એ સાથે જ ઝવેરીઓ માટે હવે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)માં હૉલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (HUID) પણ નોંધવાનો રહેશે. જૂના દાગીના પર હૉલમાર્કિંગ માટેની મુદત 31 ઑગસ્ટ, 2021 સુધીની છે, પરંતુ સમય ઓછો અને હૉલમાર્કિંગ સેન્ટર ઓછા હોવાની ફરિયાદની સાથે જ HUIDને કારણે ગ્રાહકોની માહિતી ઝવેરીઓ થકી સરકાર સુધી પહોંચી જવાની શક્યતા છે. આગામી દિવસમાં ઝવેરીઓ માટે હજી માઠા દિવસ આવવાની શક્યતા ઝવેરીબજારમાં ચર્ચાઈ રહી છે.
ઝવેરીઓની સમસ્યાને લઈને સરકારે એક સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. એના બદલે BISની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં વિવિધ મંત્રાલયો, નિકાસ મંડળ, ગ્રાહક મંચ, સ્થાનિક ઉદ્યોગના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં સલાહકાર સમિતિની ચાર બેઠક થઈ છે, પરંતુ એમાં કોઈ નિર્ણય લેવાયા નથી. એથી ઝવેરીઓની ચિંતામાં હજી વધારો થયો છે.
ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડૉમેસ્ટિક કાઉન્સિલના ડાયરેક્ટર દિનેશ જૈનના જણાવ્યા મુજબ સરકારે તો એક સમિતિ બનાવી જ છે. અમે પણ હૉલમાર્કિંગની સમસ્યાને લઈને જેમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગ નૅશનલ ટાસ્ક ફોર્સની સમિતિ બનાવી છે. એ હૉલમાર્કિંગને લઈને આવતી સમસ્યાઓ બાબતે સરકારને ઉપાય સૂચવશે. સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે, પરંતુ તેઓ અમારી સમસ્યાઓ સમજી નથી રહ્યા, એથી આગામી દિવસોમાં ઝવેરીબજારમાં વેપારીઓની તકલીફમાં હજી વધારો થવાની શક્યતા છે. સરકારના આ નિર્ણયથી અમારો ઉદ્યોગ મરણપથારીએ ન જતો રહે એની ચિંતા છે.
હૉલમાર્કિંગમાં રહેલી સમસ્યા બાબતે દિનેશ જૈને કહ્યું હતું કે અમે હૉલમાર્કિગના વિરોધમાં નથી, પંરતુ સરકારે HUID ફરજિયાત કર્યું છે, જેનો સોનાની પ્યૉરિટી સાથે કોઈ સંબધ નથી, તેના વિરોધમાં અમે છીએ. હૉલમાર્કિંગ માટેની જાહેરાત પણ અચાનક જુલાઈમાં કરવામાં આવી હતી. એ માટેની મુદત પણ 31 ઑગસ્ટ, 2021 સુધીની આપવામાં આવી છે. હાલ દેશમાં પાંચેક કરોડના જ્વેલરીના નંગ છે. તેની સામે પૂરતી સંખ્યામાં હૉલમાર્કિંગ સેન્ટર નથી, સેન્ટરોની રોજની ક્ષમતા માંડ એક લાખ નંગની છે. એ જોતાં પાંચ કરોડ નંગને હૉલમાર્કિંગ કરવામાં 500 દિવસ નીકળી જશે. હાલના સ્ટૉકને જોતાં હૉલમાર્ક કરવા 18 મહિનાનો સમય લાગશે. સરકારે હૉલમાર્કિંગ કરવા માટે ઓછામાં ઓછો એક વર્ષનો સમય વધારી આપવો જોઈએ.
વેપારીઓ હવે રાજ્યપાલના શરણે, વેપારીઓની સંસ્થા FAMએ રાજ્યપાલ સમક્ષ કરી આ માગણી; જાણો વિગત
હૉલમાર્કિંગ ફરજિયાત કર્યા બાદ 40 દિવસમાં દેશમાં 72 હૉલમાર્કિંગ સેન્ટરને પણ સરકારી યાદીમાં દૂર કરવામાં આવ્યાં છે. એટલે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, જ્યારે હૉલમાર્કિંગ સેન્ટર જ બરોબર કામ નથી કરતાં અને સરકાર જ તેમને સસ્પેન્ડ કરે છે તો તેમની પાસેથી હૉલમાર્કિંગ કરનારાઓનો કેવી રીતે ભરોસો કરી શકીએ. આવી સિસ્ટમ પર કેમ ભરોસો કરવો? એવું રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના કોર કમિટીના સભ્ય ફતેહચંદ રાણાએ કહ્યું હતું.