ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑગસ્ટ, 2021
સોમવાર
રિર્ઝવ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા બૅન્કની રજાની યાદી જાહેર કરવામાં આવી છે. એ મુજબ ઑગસ્ટમાં જુદા જુદા તહેવારો મળીને કુલ 15 દિવસ બૅન્કો બંધ રહેવાની છે. એમાં મહારાષ્ટ્રની બૅન્કો ઑગસ્ટ મહિનામાં 9 દિવસ બંધ રહેશે. ફક્ત 22 દિવસ જ બૅન્કના વ્યવહાર કરી શકાશે. એથી બૅન્ક સંબંધિત મહત્ત્વાનાં કામ હોય તો પહેલાંથી પ્લાનિંગ કરી રાખવાં પડશે.
મહારાષ્ટ્રમાં બૅન્કમાં 16 ઑગસ્ટના પારસી નવા વર્ષ નિમિતે રજા હશે અને 19 ઑગસ્ટના મોહરમની રજા હશે. એ સિવાય પાંચ રવિવાર અને બે શનિવાર (બીજો અને ચોથો) એ સાત દિવસ એમ મળીને કુલ 9 દિવસ રાજ્યની બૅન્કો બંધ રહેશે. એમાં પણ 14, 15 અને 16 ઑગસ્ટ સળંગ ત્રણ દિવસ બૅન્ક બંધ રહેશે.
દરેક રાજ્યના પોતાના તહેવારો મુજબ બૅન્કમાં રજા હશે. એમાં મણિપુરમાં 13 ઑગસ્ટના દેશભક્તિ દિનની રજા હશે. મહારાષ્ટ્રમાં 14મી ઑગસ્ટે બીજો શનિવાર, 15મી ઑગસ્ટે રવિવાર અને 16ના પારસી નવું વર્ષ નિમિત્તે બૅન્ક બંધ હશે, તો 19 ઑગસ્ટના મોહરમ નિમિત્તે ત્રિપુરા, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યમાં રજા હશે. 20 ઑગસ્ટના ઓનમ નિમિત્તે કર્ણાટક, કેરળ, તામિલનાડુમાં બૅન્ક બંધ હશે. કેરળમાં 21 અને 23ના તિરુવોનામ્ તથા શ્રી નારાયણગુરુ જયંતી નિમિત્તે બૅન્ક બંધ રહેશે.
30 ઑગસ્ટના ગુજરાત, તામિલનાડુ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોમાં જન્માષ્ટમીની તો 31 ઑગસ્ટના આંધ્ર પ્રદેશ તથા તેલંગણામાં શ્રીકૃષ્ણ અષ્ટમી નિમિત્તે બૅન્ક બંધ રહેશે.