ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑગસ્ટ, 2021
મંગળવાર
પુણે સહિત મહારાષ્ટ્રના 14 જિલ્લામાં મહારાષ્ટ્ર સરકારે કોઈ રાહત આપી નથી. એથી પુણેમાં વીફરેલા વેપારીઓએ આજે બપોરના ઘંટનાદ આંદોલન કર્યું હતું. વેપારીઓએ સરકારને નિર્ણય લેવા માટે સાંજે ચાર વાગ્યા સુધી મુદત આપી છે, ત્યાં સુધીમાં કોઈ જાહેરાત નહીં કરી તો સરકાર સામે અસહકાર આંદોલન છેડવાની ચીમકી વેપારીઓએ આપી છે, જેમાં આવતી કાલથી સાંજના સાત વાગયા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે એવી જાહેરાત પણ પુણેના વેપારીઓએ કરી છે.
લાંબા સમયથી સરકારને દુકાનો ખોલવાનો સમય વધારી આપવાની માગણી રાજ્યભરના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. છેવટે સોમવારે સરકારે રાજ્યના 22 જિલ્લામાં દુકાનો રાતના આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી હતી, પરંતુ પુણેમાં કોઈ રાહત આપવામાં આવી નથી. એથી સરકારની ભેદભાવભરી નીતિથી કંટાળેલા પુણેના વેપારીઓએ સરકારને જગાડવા માટે બપોરના 12.00 વાગ્યાથી 12.15 વાગ્યા સુધી ઘંટ વગાડીને આંદોલન કર્યુ હતું, જેમાં 28,000થી પણ વધુ વેપારીઓ જોડાયા હતા. તેમની સાથે તેમના કર્મચારી અને સ્ટાફ પણ જોડાયા હતા.
ફેડરેશન ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્રના વાઇસ પ્રેસિડન્ટ અને અગ્રણી વેપારી રાજેશ શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓને સરકારે છૂટ આપી છે. પુણેમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. એથી લાંબા સમયથી વેપારીઓને દુકાનનો સમય વધારીને સાંજે સાત વાગ્યા સુધી કરી આપવાની વિનંતી કરી રહ્યા છે. દસેક દિવસ પહેલાં વેપારીઓએ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારની મુલાકાત લઈને તેમને દુકાનો ખુલ્લી રાખવાનો સમય વધારી આપવાની માગણી કરી હતી. ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું. પરંતુ સરકારે અમારી પ્રત્યે ઓરમાયું વર્તન રાખ્યું છે. આજે તો વેપારીઓએ ઘંટનાદ આંદોલન કરીને પોતાની વ્યથા રજૂ કરી છે. સાંજે ચાર વાગ્યા સુધી સરકારે કોઈ રાહત ન આપી તો સરકાર વિરુદ્ધનું અમારું અસહકાર આંદોલન ચાલુ થઈ જશે.
વેપારીઓ માટે પડ્યા પર પાટુ : રિઝર્વ બૅન્કના નવા નિયમને કારણે કંપનીઓનાં કરન્ટ ઍકાઉન્ટ બંધ થયાં, અનેક નાના વેપારીગૃહોને પડી અસર; જાણો વિગત
ચાર વાગ્યા સુધી સરકારે પુણેના નિયમો હળવા નહીં કર્યા અને દુકાનો મોડી સાંજ સુધી ખોલવાની મંજૂરી નહીં આપી તો આવતી કાલથી પુણેમાં તમામ દુકાનો સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય વેપારીઓએ લીધો છે. સરકારને, પોલીસને તથા સ્થાનિક પ્રશાસનને અમારી સામે જે પગલાં લેવાં હોય એ લેવા તેઓ આઝાદ છે. વેપારીઓ સરકારી કાર્યવાહીનો સામનો કરવા તૈયાર હોવાનું રાજેશ શાહે કહ્યું હતું.