ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં હોલસેલ બજારમાં શાકભાજીનો ભાવ એકદમ તળિયે પહોંચી જતાં ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વખત આવ્યો છે. તેમાં પણ ટમેટાના હોલસેલ ભાવ એકદમ ઊતરી જતાં મામૂલી ભાવને કારણે ખેડૂતો પોતાનો માલ રસ્તા પર ફેંકી દેવાના બનાવ બન્યા છે. હાલ મહારાષ્ટ્રની હોલસેલ બજારમાં 20 કિલો ટમેટાના કેરેટના સાધારણ ભાવ 50થી 80 રૂપિયા છે. તેની મુંબઈ, પુણે સહિતની રીટેલ બજારમાં ટમેટા 15થી 20 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે. ખેડૂતોને તેમની મહેનતના પૈસા મળતા નથી. તેની સામે સામાન્ય ગ્રાહકોને ટમેટા માટે વધુ કિંમત ચૂકવવી પડી રહી છે.
રીટેલ અને હોલસેલ બજારમાં ટમેટાના ભાવમાં જમીન આસમાનનો ફરક છે, ત્યારે નિષ્ણાતોના કહેવા મુજબ બજારમાં એકસાથે મોટા પ્રમાણમાં માલની આવક થતાં ભાવ તૂટી જવા સામાન્ય બાબત છે. આ વખતે નાશિક, અહમદનગર, ઔરંગાબાદ જિલ્લામાં ટમેટાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે. મોટા ભાગે માલની આવક એક જ સમયે થવાથી બજારમાં ટમેટાના ભાવ ઊતરી ગયા છે. હાલત એટલી ખરાબ છે કે ખેડૂતોને પ્રતિ કિલોએ માંડ 2થી 3 રૂપિયા મળી રહ્યા છે. તેમાંથી ખેડૂતોના ઉત્પાદન, ટ્રાન્સપોર્ટેશનથી લઈને મજૂરીનો ખર્ચ પણ નીકળતો નથી. ખેડૂતોની હાલત એટલી ખરાબ છે કે ટમેટાના પ્રતિ કિલોએ 3, ભીંડાના 18, કોબીના 3, મેથીની ઝૂડીના 15, પાલકની ઝૂડીના માંડ 4 રૂપિયા મળી રહ્યા છે.
હોલસેલ બજારમાં માલની આવક વધુ હોવાથી ભાવ તળિયે ગયા છે, પરંતુ હોલસેલ બજારથી રીટેલ બજાર સુધી પહોંચાડવામાં થતો ટ્રાન્સપોર્ટેશનથી લઈને ફેરિયાઓના પ્રૉફિટ માર્જિનને પગલે ખેડૂતોને કિલોના 2થી 3 રૂપિયા મળે છે. એ સામાન્ય ગ્રાહક સુધી પહોંચતાં 15થી 20 રૂપિયા થઈ રહ્યા હોવાનું શાકભાજી બજાર સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે.