News Continuous Bureau | Mumbai
વૈશ્વિક મહામારી કોરોના, યુક્રેન- રશિયા યુદ્ધ અને પાંચ રાજ્યોમાં મોદી સરકારના પક્ષની ભવ્ય સફળતા વચ્ચે દેશનો ઇન્કમ ટેક્સની રેકોર્ડ બ્રેક આવક થઇ છે. ચાલુ નાણાવર્ષમાં ભારતમાં ઇતિહાસનું સૌથી મોટું કલેક્શન આવ્યું છે. અત્યાર સુધીમાં તેમાં 48 ટકાનો વધારો થયો હોવાની ખુદ સીબીડીટી ચેરમેને માહિતી આપી છે.
ઈન્કમ ટેક્સના આંકડા જાહેર કરતા સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ (CBDT)ના ચેરમેન જેબી મહાપાત્રએ જણાવ્યું કે આવક વેરા વિભાગમાં ઇતિહાસનું સૌથી ઊંચું કલેક્શન આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેકશનમાં 48 ટકાનો વધારો જ્યારે એડવાન્સ ટેક્સ ક્લેક્શનમાં 41 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2021-22માં આજની તારીખ સુધીમાં નેટ ટેક્સ કલેક્શન 13.63 લાખ કરોડ રૂપિયા થઇ છે. જે 2020-21ની તુલનામાં 48.4 ટકા અને 2019-20ની તુલનામાં 42.5 ટકા, તેમજ 2018-19ની સરખામણીએ 35 ટકા વધુ છે. એટલે કે જૂના સૌથી ઊંચા આંકડાથી 2.5 લાખ કરોડ રુપિયા વધુ છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો, લોકોમાં LICના IPOનો ક્રેઝ, માત્ર 91 દિવસમાં આટલા કરોડ નવા રોકાણકારોની બજારમાં એન્ટ્રી… જાણો વિગતે
સીબીડીટી (CBDT)ના ચેરમેન મહાપાત્રએ વધુમાં જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 2021-22ના બજેટનાં નિર્ધારિત 11.08 લાખ કરોડ રુપિયાના લક્ષ્યાંકથી ઘણું વધારે છે. આ કલેક્શનમાં વ્યકિતગત આવકવેરો, કંપનીઓને થતા લાભનો વેરો, સંપત્તિ વેરો અને ઉત્તરાધિકારી વેરા ઉપરાંત ઉપહાર ભેટ પરના વેરાનો સમાવેશ થાય છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે ઈન્કમ ટેક્સની આવક વધવા પાછળનું કારણ વિભાગ અને સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા છે.