ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
મુંબઈ સહિત રાજ્યમાં ત્રીજા લેવલ હેઠળના પ્રતિબંધો અમલમાં છે. એ મુજબ વીકએન્ડમાં એટલે કે શનિવાર અને રવિવારે દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ બંધ રાખવાના હોય છે. પરંતુ સત્તાધીશોની મિલીભગતને કારણે વીકએન્ડમાં અનેક બૅન્ક્વેન્ટ હૉલ અને મોટી હૉટેલોમાં એક્ઝિબિશન કમ સેલ જેવા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. બૅન્ક્વેટ હૉલના સંચાલકો લૉકડાઉનના નિયમોનો તો ભંગ કરી રહ્યા છે, સાથે જ સરકારને પણ આવા એક્ઝિબિશનને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના પ્રેસિડન્ટ વિરેન શાહે કર્યો છે.
ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના પ્રેસિડન્ટ વિરેન શાહે કહ્યું હતું કે હાલ મહારાષ્ટ્રમાં નાનાંમોટાં 1,000થી વધુ એક્ઝિબિશન કમ સેલ જેવી ઈવેન્ટ થઈ રહી છે. અમને આવા ઈવેન્ટ સામે કોઈ વાંધો નથી, પરંતુ ટૅક્સ ઑથૉરિટી દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમનું અહીં પાલન થતું નથી. બૅન્કવેટમાં રાખવામાં આવતા એક્ઝિબિશન GST હેઠળ રજિસ્ટર ન હોવાથી તેમણે કેટલાનો વેપાર કર્યો એ વિશે પણ કોઈ સ્પષ્ટતા નથી હોતી. એક્ઝિબિશન કમ સેલમાં સ્ટૉલવાળા બિલ બનાવતા નથી. એથી રાજ્ય સરકારને પણ કોઈ પ્રકારના ટૅક્સના માધ્યમથી આવક થતી નથી. આવા આયોજન પર સરકારની સખત નજર હોવી જરૂરી છે.
નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશનના આ ચુકાદાથી બિલ્ડરની મનમાની પર આવશે લગામ; જાણો વિગત
આ બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખવામાં આવ્યો છે એવું જણાવતાં વિરેન શાહે કહ્યું હતું કે લેવલ-3 હેઠળ શનિવાર અને રવિવારના બૅન્કવેન્ટ હૉલમાં કોઈ પણ પ્રકારના આયોજનને મંજૂરી નથી. છતાં થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટાર હૉટેલોમાં આવેલા ખાનગી બૅન્કવેટમાં વીકએન્ડમાં એક્ઝિબિશન કમ સેલ મોટા ઈવેન્ટ સાથે યોજાઈ રહ્યાં છે. એમાં મોટી સંખ્યામાં ભીડ થઈ રહી છે અને કોરોનાને લગતા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સરકારના નિયમનું તમામ પ્રકારના કરવેરા ચૂકવનારા વેપારીઓ ઈમાનદારીથી પાલન કરી રહ્યા છે, પરંતુ મોટી હૉટેલમાં યોજાતી આવી ઈવેન્ટમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. એના પ્રત્યે સરકાર દુર્લક્ષ કરી રહી છે.