ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 જુલાઈ, 2021
શુક્રવાર
કોલ્હાપુરમાં વેપારીઓની માગણી સામે અંતે મહારાષ્ટ્ર સરકારને ઝૂકવું પડ્યું છે. સરકારે કોલ્હાપુરમાં સોમવારથી તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
કોલ્હાપુરમાં સતત 100 દિવસથી તમામ દુકાનો બંધ હોવાથી વેપારીઓ કંટાળી ગયા હતા. વેપારી આલમે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લઈ તેમને રજૂઆત પણ કરી હતી, પરંતુ કોઈ જવાબ આવતો નહોતો. આ દરમિયાન વીફરેલા વેપારીઓએ સરકાર મંજૂરી આપે કે ના આપે, તેઓ સોમવારથી દુકાનો ખોલી નાખશે એવી ધમકી આપી હતી. વેપારીઓની ધમકી કામ કરી ગઈ હતી. છેવટે કોલ્હાપુરની મુલાકાતે આવેલા રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ વેપારીઓની માગણીને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સોમવારથી કોલ્હાપુરમાં અત્યાવશ્યક સેવા સહિત અન્ય તમામ દુકાનો પણ સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉર્મસ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને કોલ્હાપુરના રાજારામપુરી વેપારી ઍસોસિયેશનના પ્રેસિડન્ટ લલિત ગાંધીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે જિલ્લાનો કોરોના પૉઝિટિવિટી રેટ અને ડેથ રેટ ઘટી ગયો છે. કોલ્હાપુરમાં નિયમ મુજબ દુકાનો ખોલવાની મંજૂરી આપવી જ જોઈતી હતી. સરકાર જોકે લાંબા સમયથી સતત અમારી માગણી તરફ દુર્લક્ષ કરી રહી હતી. સરકારે સોમવારથી દુકાનો ખોલવાની મંજૂરી ન આપી એટલે તમામ દુકાનો ખોલી નાખવાની ધમકી આપવી પડી હતી. આ દરમિયાન આરોગ્યપ્રધાન રાજેશ ટોપેને પણ રજૂઆત કરવામાં આવી હતી. શુક્રવારે તેઓ કોલ્હાપુરની મુલાકાતે છે. તેમણે અમને સકારાત્મક આશ્વાસન આપ્યું છે. સોમવારથી તમામ દુકાનો ખુલ્લી રાખી શકાશે.
પ્રશાસનથી ત્રસ્ત વેપારીઓની સમસ્યા સંદર્ભે ફામની યોજાઈ મિટિંગ; લેવાયો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય
સતત 100 દિવસથી કોલ્હાપુરમાં અત્યાવશ્યકને બાદ કરતાં તમામ દુકાનો બંધ છે. નાના વેપારીઓ ખતમ થઈ ગયા છે. કર્મચારીઓના પગાર, સરકારને કરવેરા, લાઇટબિલ, ઘરખર્ચાને પહોંચી શકાતું નથી. વેપારીઓને હવે શાહુકાર પાસેથી લોન લેવાની નોબત આવી ગઈ છે. એથી સરકારને અમે શુક્રવાર સુધીમાં નિર્ણય લઈ લેવાની મુદત આપી હતી. સરકારે અમારી વિનંતીને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. વેપારી વર્ગને આગામી સમયમાં રાહત થશે એવું લલિત ગાંધીએ કહ્યું હતું.