ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જુલાઈ, 2021
ગુરુવાર
કોરોનાની બીજી લહેર પણ હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં નિયંત્રણમાં આવી રહી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં સાંજના ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી છે, પરંતુ હજી સુધી મોટા ભાગના મૉલને ખોલવાની મંજૂરી આપી નથી. મૉલમાં દુકાનો ધરાવતા મોટા ભાગના વેપારીઓની હાલત ખરાબ છે. હાલ કોરોનાના પૉઝિટિવિટી રેટમાં સુધારો છે. કોરોના પણ નિયંત્રણમાં છે. હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આવેલા મૉલને પણ ખુલ્લા રાખવાની મંજૂરી મળવી જોઈએ એવી માગણી વેપારી વર્ગે કરી છે.
છેલ્લા દોઢ વર્ષમાં લાદવામાં આવેલા લૉકડાઉનને પગલે વેપારીઓના ઉદ્યોગંધધા ઠપ્પ થઈ ગયા છે. માર્ચ મહિનાથી બીજી વખત લાદવામાં આવેલા લૉકડાઉનમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટા ભાગના વેપારીઓની હાલત ભારે ખરાબ થઈ ગઈ છે. હાલ દુકાનોને તો સાંજના ચાર વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી છે, પણ મૉલ હજી પણ બંધ છે ત્યારે તમામ મૉલને પણ હવે ખોલી નાખવાની મંજૂરી આપવી જોઈએ એવી માગણી રિટેલર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ સરકાર સમક્ષ કરી છે.
ઍસોસિયેશનના કહેવા મુજબ મહારાષ્ટ્રમાં લગભગ 50 જેટલા મૉલ બંધ છે. એની સાથે જોડાયેલા લગભગ બે લાખ લોકોની નોકરીને અસર થઈ છે, તો 40 હજાર કરોડ રૂપિયાથી પણ વધુનું આર્થિક નુકસાન થયું છે. મૉલ વ્યવસાય સાથે લગબગ ચાર હજાર કરોડ રૂપિયા સુધીની GSTની આવક પણ સંકળાયેલી છે. મૉલ બંધ હોવાથી સરકાર પણ આ આવક ગુમાવી રહી છે. એથી વહેલામાં વહેલી તકે મૉલમાં આવેલી દુકાનોને પણ ખુલ્લી રાખવાની મંજૂરી સરકારે આપી દેવી જોઈએ.