ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં મહિન્દ્રા કંપની દ્વારા કાર લૉન્ચ કરવામાં આવી હતી. આ કંપનીની કારે લોકોના દિલ જીતી લીધાં હતાં. આ કારે લોકોનાં મન મોહી લીધાં હતાં. આ ઓફ-રોડ થારને ગ્રાહકોએ ખૂબ પસંદ કરી હતી. લોકો દ્વારા આ કારની ખરીદી પુરજોશમાં થઈ છે. આ આશ્ચર્યચકિત કરનારી વાત છે કે અત્યાર સુધીમાં કંપનીને કારના 75,000થી વધુ બુકિંગ ઑર્ડર મળ્યા છે. ગ્રાહકોને આ કારનું ડીઝલ વેરિએન્ટ વધારે અનુકૂળ આવ્યું છે. આટલા સારા વેચાણ ઉ૫૨થી જ આપણે અંદાજ આવી શકે કે લોકોને આ મહિન્દ્રા થાર કેટલી પસંદ આવી છે. હજી પણ તેના બુકિંગ ઑર્ડર વધતા જ જાય છે. વધતા ઑર્ડરને કારણે કંપનીએ મહિન્દ્રા થારનો સરેરાશ ડિલિવરી સમયમાં વધારો કર્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર મહિન્દ્રા થાર એસયુવી એન્જિન બે પ્રકારમાં ઉપલબ્ધ છે, જેમાં 2 લિટર અને 4 સિલિન્ડર એમસ્ટેલિયન પેટ્રોલ એન્જિન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત 2.2 લિટર mHawk ડીઝલ મોટર પણ આપવામાં આવી છે. તેનું પેટ્રોલ એન્જિન 150 bhp પાવર અને 320 Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે થાર ડીઝલ એન્જિન 130 bhp પાવર અને 320 Nm પિક ટોર્ક બનાવે છે. બંને એન્જિન સાથે ટ્રાન્સમિશન વિકલ્પોમાં છ સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સ અને છ સ્પીડ ઑટોમૅટિક ટ્રાન્સમિશન વચ્ચે પસંદગીનો સમાવેશ થાય છે.
કંપનીએ માહિતી આપતાં જણાવ્યું કે તેણે એસયુવી વિશે બુકિંગ નંબર જાહેર કર્યો છે. ઉપરાંત આ સિવાય કંપનીએ એમ પણ જણાવ્યું છે કે મહિન્દ્રા થારની બુકિંગમાં 40 ટકાથી વધુ હિસ્સો મિલેનિયલ્સનો છે. જેમાં એસયુવીની કુલ બુકિંગનો અડધો ભાગ ઑટોમૅટિક વેરિએન્ટ માટે છે અને એસયુવીની કુલ બુકિંગનો 25 ટકા હિસ્સો પેટ્રોલ વેરિએન્ટ માટે છે. એટલે કે માહિતીના આધારે તે સ્પષ્ટ થાય છે કે મહિન્દ્રા થાર ડીઝલ દેશમાં પસંદગી માટેનું પહેલું મૉડલ છે. દેશમાં ડીઝલ એન્જિન સામે સરકારના વલણ અને પ્રયાસોને ધ્યાનમાં લેતાં આ એક રસપ્રદ બાબત છે.
થાર લૉન્ચ થયાના એક મહિનાની અંદર, ઓફ-રોડ SUVને 20,000થી વધુ બુકિંગ મળ્યાં હતાં. હાલમાં આ કારને વેરિએન્ટના આધારે 5થી 7 મહિનાનો વેઇટિંગ પિરિયડ આપવામાં આવી રહ્યો છે.મહિન્દ્રા થારે ભારતમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે.