ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
યુક્રેન-રશિયા યુદ્ધની અસર હવે ઠેર ઠેર અનુભવાઈ રહી છે. ખાસ કરીને ભારતમાં મહિલાઓના રસોડામાં બરોબરનો ફટકો પડવાનો છે. ખાદ્ય તેલના ભાવમાં 20 થી 25નો વધારો થયો છે. જો યુદ્ધ અટકે તો પણ પરિસ્થિતિ સામાન્ય થવામાં હજુ દોઢથી બે મહિનાનો સમય લાગશે. તેવો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.
ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. કારણ કે ભારત મોટાભાગનું ખાદ્ય તેલ આયાત કરે છે. તેમાં પણ યુક્રેન અને રશિયા બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે આખી દુનિયામાં જોવા મળી રહી છે. આ બંને દેશો સૂરજમુખી તેલના મોટા ઉત્પાદક છે. વિશ્વસ્તરે અનેક દેશોને રશિયા અને યુક્રેન જ સૂરજમુખીનું તેલ પૂરું પાડે છે. યુદ્ધ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ બંદરો પર પ્રતિબંધ લાગી શકે છે. અનેક જગ્યાએ બંદરો પર પ્રતિબંધ લાગી ગયા છે. તેથી સપ્લાય થવાનું બંધ થઈ ગયું છે.
યુક્રેન મોટા પ્રમાણમાં તેલની આયાત કરે છે. જો કે, વર્તમાન સપ્લાય કટની સીધી અસર ભારતીય બજાર પર પડી રહી છે. ભારતમાં સૂરજમુખી તેલની આયાત નહીં થઈ તો ભારતમાં અન્ય વિકલ્પ છે, જેવા કે સોયા તેસ, સરસોનું તેલ, મૂંગફળીના તેલ વગેરેની ડિમાન્ડ વધી શકે છે. ભારતમાં સૂરજમુખીના તેલનું ઉત્પાદન 50 હજાર લિટરથી વધુ નથી આવી પરિસ્થિતિમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. ચાર-પાંચ દિવસમાં એક લિટર તેલના ભાવમાં 20-25 રૂપિયાનો વધારો થયો છે. સોયાબીન, સૂર્યમુખી તેલના ભાવ રૂ.140 થી રૂ.160 અને રૂ.165 સુધી પહોંચી ગયા છે. નજીકના ભવિષ્યમાં તેમાં રૂ. 180 થી રૂ. 190નો વધારો થવાની ધારણા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય રાજકારણ અને અર્થશાસ્ત્ર માં પણ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. ક્રૂડ ઓઈલની કિંમત વધીને 110 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલ વધુ મોંઘું થવાની આશંકા છે.