ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 1 નવેમ્બર, 2021.
સોમવાર.
દશેરાએ આ વર્ષે મુંબઈમાં સોનાની ખરીદીમાં 20 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. લોકોએ દશેરામાં લગભગ 400 કરોડ રૂપિયાનું સોનું ખરીદયુ હતું. ત્યારે ધનતેરસે ફકત મુંબઈમાં જ નહીં પણ દેશભરમાં સોનાની રેકોર્ડબ્રેક ખરીદી થાય એવી ધારણા છે. ધનતેરસના મુંબઈમાં 600થી 800 કરોડ રૂપિયાની ખરીદી થાય એવો અંદાજો ઝવેરી બજારના વેપારીઓ રાખી રહ્યા છે, તો ફક્ત દિલ્હીમા આ આંકડો 1,000 કરોડને પાર કરી જાય એવું વેપારી સૂત્રોનું કહેવું છે.
કોરોના મહામારીને પગલે છેલ્લા દોઢ વર્ષમાં માર્કેટમાં સૂનકાર છવાયો હતો. જોકે દેશે કોરોના મહામારી પર નિયંત્રણ મેળવ્યું છે. તેની અસર લોકોની ખરીદી પર જણાઈ રહી છે. લોકોનો પર્ચેસિંગ પાવર વધી ગયો છે. દશેરામાં જ લોકોએ લગભગ 400 કરોડ રૂપિયાનું સોનું ખરીદયું હતું. હિંદુઓનો સૌથી મોટો તહેવાર કહેવાતા દીવાળીમાં લોકોની ખરીદી વધી છે ત્યારે ધનતેરસમાં પણ લોકો સોનાની ચિક્કાર ખરીદી કરશે એવું વેપારી વર્ગનું માનવું છે. તેમાં પાછુ લગ્નસરાની મોસમ પણ આવી ગઈ છે. તેથી દીવાળી અને લગ્નની ખરીદી બંને સાથે જ ધનતેરસના કરી નાખવામાં આવશે એવું ઝવેરી બજારના વેપારીઓ નું માનવું છે.
મુંબઈ જ્વેલર્સ અસોસિયેશનના અધ્યક્ષ કુમાર જૈને ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે 12 મહિનામાં લોકો સોનાની જેટલી ખરીદી કરે છે એના 40 ટકા ખરીદી લોકો ધનતેરસના કરશે. એટલે કે ધનતેરસના શુભ દિવસે સોનાની બજારમાં તેજી રહેશે અને બજારમાં 600થી 800 કરોડ રૂપિયાની સોનાની ખરીદી થશે. દશેરાએ થયેલી 400 કરોડ રૂપિયાની ખરીદીનો રેકોર્ડ ધનતેરસના દિવસે સોનાની ખરીદી બાદ તૂટે એવો અમારો અંદાજો છે.
એડવાન્સ બુકિંગ પણ મોટા પ્રમાણમાં થયું છે એવું જણાવતા કુમાર જૈને કહ્યું હતું કે દશેરા બાદ પુષ્પનત્રમાં લોકોએ ચિક્કાર ખરીદી કરી હતી. છતાં લોકોને હજી સમાધાન થયું નથી. લોકો પાસે પુષ્કળ પૈસા છે. તેમાં પાછું લગ્નની સીઝન પણ ચાલુ થઈ છે. તેથી લોકોએ મોટા પ્રમાણમા એડવાન્સ બુકિંગ પણ કરાવ્યું હતું. તો દુકાનમા જઈને પણ ખરીદી કરવાનું પ્રમાણ વધારે રહેશે.