ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 નવેમ્બર, 2021
બુધવાર.
ધનતેરસના શુભ અવસરે દેશભરમાં સોનાનું વિક્રમી વેચાણ થયું છે. મંગળવાર સાંજ સુધીમાં દેશભરમાં લગભગ 35થી 40 ટન એટલે કે લગભગ 20,000 કરોડ રૂપિયાની કિંમતનું સોનાનું વેચાણ થયું હોવાનો અંદાજો છે. તો મુંબઈમાં લગભગ 600 કરોડ રૂપિયાની આસપાસ બજારમાં વેચાણ થયું હતું. તેમાં પણ લોકોની પસંદગી ખાસ કરીને લક્ષ્મી અને ગણપતિની મૂર્તિ સહિત સોના-ચાંદીના સિક્કા રહ્યા હતા.
દશેરા અને પુષ્પનક્ષત્ર બાદ ધનતેરસના પણ લોકોએ ચિક્કાર ખરીદી કરી હતી. ખાસ કરીને ધનતેરસના શુકનરૂપે 18થી 22 કેરેટના 1થી 8 ગ્રામ વજનના સોના-ચાંદીના સિક્કા અને લક્ષ્મીમાતા અને ગણપતિબાપ્પાની મૂર્તિની ખરીદી કરી હતી. ઈંડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિયેશનના પદાધિકારીઓના કહેવા મુજબ બે વર્ષના લાંબા ગાળા બાદ એક જ દિવસમાં સોનાનું વિક્રમી વેચાણ થયું છે. દેશમાં સાંજ સુધીમાં લગભગ 20,000 કરોડ રૂપિયા સુધીનું સોનાનું વેચાણ થયું હતું.
મુંબઈ જ્વેલર્સ અસોસિયેશનના અધ્યક્ષ કુમાર જૈને ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે લોકોએ દશેરાએ અને પુષ્પ નક્ષત્રમાં સોનાની ખરીદી કરી હતી. છતાં ધનતેરસના શુકનરૂપે પણ લોકોએ સારી એવી ખરીદી કરી હતી. લગ્નની મોસમ પણ છે. મંગળવારના મુંબઈમાં લગભગ પોણા છસ્સોથી છસ્સો કરોડ રૂપિયા સુધીનું સોનાનું વેચાણ થયું છે. ગયા વર્ષે દીવાળીના સમયમાં સોનાનો ભાવ 50,500ની આસપાસ હતો. આ વર્ષે 49,600ની આસપાસ રહ્યો છે. છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે બજાર સારી રહી હતી. લોકોએ શુકનરૂપે સોના-ચાંદીના સિક્કાથી લઈને સોનાની વીંટી, લક્ષ્મી-ગણપતિની મૂર્તિઓની ખરીદી કરી હતી.
કુમાર જૈનના જણાવ્યા મુજબ દેશભરમાં ધનતેરસના લોકોએ ચિક્કાર ખરીદી કરી હતી. જેમાં રાજસ્થાનમાં લગભગ 1,000 કરોડની આસપાસ વેચાણ થયું હતું. ગુજરાતમાં લગભગ 900 કરોડ, રાજસ્થાનમાં લગભગ 800 કરોડ અને તેલંગણામાં લગભગ 700 કરોડ રૂપિયાની આસપાસ બજારમાં લોકોએ ખરીદી કરી છે.
ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના પદાધિકારીના કહેવા મુજબ સોનાના ભાવ સતત વધી રહ્યા છે, છતાં આજે પણ લોકો સોનાની ખરીદી કરીને તેમા રોકાણ કરવાનું પસંદ કરે છે. 2019ની સરખામણીમાં આ વર્ષે ધનતેરસના બજારમાં સોનાની માગ 20થી 25 ટકા વધુ રહી હતી. કોરોનાને પગલે ગયા વર્ષે લોકોએ ખરીદી કરી હતી. તેથી આ વર્ષે લોકોએ મનભરીને ખરીદી કરી છે.