ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જૂન 2021
મંગળવાર
કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલો, કોલેજો બંધ છે. ઑફિસનું કામ પણ ઘરેથી કરવામાં આવી રહ્યું છે. એનો સૌથી મોટો ફટકો પેન ઍન્ડ સ્ટેશનરી ઇન્ડસ્ટ્રીને પણ પડ્યો છે. બીજા ધંધા સાથે જોડાયેલા વેપારીઓની ગાડી તો ફરી પાછી પાટા પર આવી જશે, પરંતુ પેન ઍન્ડ સ્ટેશનરી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મૅન્યુફૅક્ચરર અને વેપારીઓને તેમના ધંધામાં હજી વર્ષ સુધી કંઈ થાય એવું દેખાતું નથી.
પેન ઍન્ડ સ્ટેશનરી ઉદ્યોગના માઠા દિવસો ચાલી રહ્યા છે. એ બાબતે પેન ઍન્ડ સ્ટેશનરી ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના સેક્રેટરી સુનીલ ઘેલાણીએ જણાવ્યું હતું કે લૉકડાઉનનો હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી બાદ સૌથી વધુ ફટકો જો કોઈને પડ્યો હોય એ પેન ઍન્ડ સ્ટેશનરી ઇન્ડસ્ટ્રી છે. દોઢ વર્ષથી સ્કૂલો, કૉલેજો બંધ છે. ઑફિસો બંધ છે. ઑફિસોમાં વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે. લોકો મોબાઇલ અને કૉમ્પ્યુટર પર કામ કરી રહ્યા છે, એને કારણે બજારમાં પેન તેમ જ અન્ય સ્ટેશનરીની ડિમાન્ડ જ રહી નથી. મૅન્યુફૅક્ચરિંગમાં મોટા પ્રમાણમાં રોકાણ થયું હોય છે, પરંતુ લાંબા સમયથી બજારમાં માલની ડિમાન્ડ જ રહી નથી.
અમારા ઉદ્યોગધંધાની ગાડી પાટે ચઢતાં બીજું વર્ષ નીકળી જશે. કારણ કે હાલ બજારમાં વેચાયા વગરનો માલ પડી રહ્યો છે. એથી મૅન્યુફૅક્ચરિંગ બંધ છે. જ્યાં સુધી તમામ લોકોનું વેક્સિન ખાસ કરીને બાળકોનું વેક્સિનેશન થતું નથી ત્યાં સુધી સ્કૂલો, કૉલેજો ચાલુ થવાની શક્યતા નથી. નવેમ્બર, ડિસેમ્બર સુધીમાં તમામ લોકોનું વેક્સિનેશન થાય ત્યાર બાદ જાન્યુઆરીની આસપાસ સ્કૂલો-કૉલેજો ચાલુ થાય એવી અત્યારે તો અમને શક્યતા જણાઈ રહી છે. ત્યાર પછી જ પેન, સ્ટેશનરીની બજારમાં કંઈ હલચલ થવાની શક્યતા હોવાનું સુનીલ ઘેલાણીએ કહ્યું હતું.
પેન ઇન્ડસ્ટ્રી સાથે દેશભરના લાખો લોકો જોડાયેલા છે એવું બોલતાં સુનીલ ઘેલાણીએ કહ્યું હતું કે દેશમાં તો માર્કેટ ઠંડી છે, પણ ઇન્ટરનૅશનલ લેવલ પર પણ કોરોનાને કારણે હાલત ખરાબ છે. એથી માલ એક્સપૉર્ટ પણ નથી થઈ રહ્યો. દેશ-વિદેશમાં માર્કેટમાં માલની ડિમાન્ડ જ નથી. એથી હાલ મૅન્યુફૅક્ચરિંગ ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે. આ ઇન્ડસ્ટ્રી સાથે દેશભરમાં લગભગ પાંચથી સાત લાખ લોકો જોડાયેલા છે. આ તમામ લોકોની હાલત અત્યાર બહુ ખરાબ છે. જોકે આવતા વર્ષ સુધી ઉદ્યોગ ફરી બેઠો થાય એવી અત્યારે તો અમે આશા રાખી છીએ.