ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્રના મોટા ભાગનાં શહેરોમાં બ્રેક ધ ચેઇન હેઠળ નિયમો શિથિલ કરવામાં આવ્યા છે, જે હેઠળ દુકાનો રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે, પંરતુ 11 જિલ્લાઓમાંના એક સોલાપુરમાં હજી સુધી કોઈ છૂટછાટ આપવામાં આવી નથી, એથી વેપારી વર્ગમાં ભારે નારાજગી જોવા મળી છે. સોલાપુરના વેપારીઓની નજર હવે આજથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટાસ્ક ફોર્સ સાથે થનારી બેઠક પર મંડાયેલી છે.
સોલાપુર, ચેમ્બર ઑફ કૉર્મસ ઍન્ડ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચરના પ્રેસિડન્ટ રાજુ રાઠીએ જણાવ્યું હતું કે સોલાપુર શહેરનો કોરોના પૉઝિટિવિટી રેટ એક ટકા કરતાં ઓછો છે તેમ જ ઑક્સિજન બેડની ઑક્યુપન્સીની ટકાવારી પણ છ ટકા કરતાં ઓછી છે. એથી મહારાષ્ટ્ર સરકારના 5 ઑગસ્ટ, 2021 સુધારિત સર્ક્યુલરમાં ફેરફાર કરીને સોલાપુરને પણ રાહત આપવી જોઈએ એવી માગણી મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપીને કરી છે. આજની ટાસ્ક ફોર્સમાં શું ચર્ચા થાય છે, તેના પર સોલાપુરના વેપારીઓની નજર છે.
સોલાપુરનો પૉઝિટિવિટી રેટ ઓછો છે. છતાં સરકારની ખોટી ગણતરીને કારણે સોલાપુરના નાગરિકો હેરાન થઈ રહ્યા છે. 25 જૂન, 2021 બાદ લેવલ ત્રણ મુજબ અમલબજવણી કરવામાં આવી હતી. 2 ઑગસ્ટ, 2021ના નવા આદેશ પ્રમાણે શહેર અને જિલ્લાના વિભાગ નહીં કરતાં આકરા પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે. એને બદલે સોલાપુર શહેરની પરિસ્થિતિ જોતાં ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટી એટલે કે સ્થાનિક પ્રશાસને સમય વધારવાની મુદત આપવાની સત્તા આપવાની માગણી કરવામાં આવી છે. હાલ શહેર અને ગ્રામીણ વિસ્તારના આંકડા ભેગા કરીને સરકાર સમયમર્યાદા લાદી રહી છે. એને કારણે પૉઝિટિવિટી રેટ એક ટકો હોવા છતાં સોલાપુર શહેરને સહન કરવું પડી રહ્યું છે. સોલાપુર પાલિકાના કમિશનરને નિર્ણય લેવાના અધિકાર અને સત્તા પર મહારાષ્ટ્ર સરકાર તરાપ મારી રહી છે એવો આક્ષેપ વેપારીઓ દ્વારા થઈ રહ્યો છે.
સોલાપુર, ચેમ્બર ઑફ કૉર્મસ ઍન્ડ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચરના પ્રેસિડન્ટ રાજુ રાઠીએ કહ્યું હતું કે સોલાપુર શહેરમાં સ્માર્ટ સિટીનું કામ ચાલી રહ્યું હોવાથી અનેક ઠેકાણે રસ્તા બંધ છે. એમાં પાછું દુકાનો સાંજના ફક્ત ચાર વાગ્યા સુધી ખુલ્લી હોવાથી રસ્તા પર મોટા પ્રમાણમાં ભીડ થાય છે. એથી કોરોના ફેલાવાનું જોખમ વધી શકે છે, એ બાબત સરકારે ધ્યાનમાં લેવી જોઈએ. એથી દુકાનો જો રાતના નવ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી તો બજારમાં તથા રસ્તા પર થતી ભીડ પણ ઓછી થશે.