ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જુલાઈ, 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે થયેલી અતિવૃષ્ટિ અને મહાપૂરનો ફટકો ફક્ત મહારાષ્ટ્રના ઉદ્યોગધંધાને જ નથી પડ્યો, પરંતુ ગુજરાતના સેંકડો વેપારીઓને પણ એની અસર થવાની છે.
દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન સુરતથી હજારો મીટર કપડું મહારાષ્ટ્રમાં મંડપ બાંધવા માટે આવતું હોય છે. કોરોનાને પગલે ગયા વર્ષે મહારાષ્ટ્રમાં અનેક મોટા ગણેશોત્સવ મંડળે ઉજવણી રદ કરી હતી, જેને પગલે સુરતના વેપારીઓને લગભગ 300 કરોડ રૂપિયાનું નુકસાન વેપારમાં થયું હતું. ચાલુ વર્ષે પણ મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં થયેલી અતિવૃષ્ટિ અને પૂરને કારણે તેમ જ કોવિડ ગાઇડલાઇનને કારણે ગણેશોત્સવની ઉજવણી ફિક્કી જ રહેવાની છે. આ વર્ષે પણ મંડપ બાંધવા ઉપયોગમાં આવતા કાપડ ઉદ્યોગને 400 કરોડ રૂપિયાથી વધુ નુકસાન થવાની શક્યતા છે.
અહીં ઉલ્લેખનીય છે કે સુરતના ઉના પાણી રોડમાં મંડપ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓની મોટી માર્કેટ છે. એમાથી મોટા ભાગની દુકાનો છેલ્લાં બે વર્ષમાં કોરોનાને પગલે બંધ થઈ ગઈ છે. ગયા વર્ષે વ્યવસાયમાં કોરોનાને પગલે નુકસાન થયા બાદ આ વર્ષે મહારાષ્ટ્રમાંથી બિઝનેસ મળવાની વેપારીઓને આશા હતી, પરંતુ મહારાષ્ટ્રમાં આવેલા વરસાદ અને પૂરને કારણે તેમ જ હજી સુધી રહેલાં કોવિડ નિયંત્રણોને કારણે આ વર્ષે પણ બિઝનેસમાં 400 કરોડ રૂપિયાનું સુધીનું નુકસાન થવાનો ભય સુરતના મંડપ ક્લોથ ઍસોસિયેશને વ્યક્ત કર્યો છે.