ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જુલાઈ, 2021
શનિવાર
કોરોનાની ત્રીજી સંભવિત લહેર જો આવી જાય તો પણ હવે મહારાષ્ટ્રમાં ઉદ્યોગધંધાને બંધ કરવામાં આવશે નહીં એવું આશ્વાસન હાલમાં જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યું હતું. પહેલાંથી કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે પાયમાલ થઈ ગયેલા વેપારીઓને એથી રાહત થઈ છે.
હાલમાં જ મુખ્ય પ્રધાને રાજ્યના તમામ વિભાગીય કમિશનર, જિલ્લાધિકારી, મહાનગરપાલિકાના કમિશનર, પોલીસ અધિકારી તેમ જ ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિ સાથે સંવાદ સાધ્યો હતો. એ સમયે તેમણે કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર આવે એ પહેલાં જ રાજ્યના અમુક જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યામાં થયેલો વધારો જોખમી છે. ત્રીજી લહેરના આગમન પહેલાં જ એને રોકવાનો પ્રયત્ન કરવાનો છે. જોકે હવે ફરીથી ઉદ્યોગંધધાની દુનિયા માટે પ્રતિબંધો લાદવામાં નહીં આવે. જોકે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોએ કોરોના સંબંધિત તમામ નિયમોનું પાલન કરીને પોતાના કર્મચારી વર્ગનાં હિત સંબધી પગલાં લેવાનાં રહેશે. મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓની રહેવાની વ્યવસ્થા તેમની કંપનીની પરિસરમાં જ કરવી. જો તે શક્ય ન હોય તો કારખાના પાસે સ્વતંત્ર વ્યવસ્થા કરવી એવી સલાહ પણ મુખ્ય પ્રધાને ઉદ્યોગ જગતને આપી હતી.
કેન્દ્ર સરકારની આ યોજનાથી શું ટેક્સટાઇલ સેક્ટરને નવજીવન મળશે? જાણો વિગત
કોરોનાની બીજી લહેરમાં દર્દીની સંખ્યા ઘટી ગઈ છે, છતાં હજી સાડાઆઠથી નવ હજાર દર્દી નોંધાઈ રહ્યા છે. એનાથી નીચે આંકડો જતો નથી. ઊલટાનું અમુક જિલ્લામં દર્દીની સંખ્યા વધી ગઈ છે. છતાં કોઈ પણ હિસાબે રાજ્યમાં ત્રીજી લહેરનું આગમન થવું જોઈએ નહીં. બદકિસ્મતે જો ત્રીજી લહેર આવી જ ગઈ તો પણ હવે રાજ્યના ઉદ્યોગ ચાલુ રહેવા જોઈએ અને એના માધ્યમથી અર્થચક્ર અને જીવનચક્ર ચાલવું જોઈએ એવું પણ મુખ્ય પ્રધાને કહ્યું હતું.