ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
15 ફેબ્રુઆરી, 2022
મંગળવાર.
કોવિડ 19 મહામારી દરમિયાન છેલ્લા બે વર્ષમાં ત્રણ-ત્રણ વખત લોકડાઉન લાદવામાં આવ્યું હતું. તેને કારણે છૂટક વેપારીઓને ધંધામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, તેથી વેપારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ વળતર આપવાની માગણી રીટેલ વેપારીઓના અખિલ ભારતીય સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા કેન્દ્ર સરકારને કરવામાં આવી છે. CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ છેલ્લા થોડા મહિનામાં પોલીસ સ્ટેશનની બહાર રેલીઓ કાઢીને મોટા પાયે વેપારીઓએ વિરોધ કર્યો હતો. વેપારીઓને થયેલા નુકસાન માટે વેપારીઓએ કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.
માંગણી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં 2020ની સાલથી કોરોના મહામારીને કારણે સમયાંતરે લાગુ કરાયેલા ત્રણ લોકડાઉનને કારણે દિલ્હી સહિત દેશના વેપારીઓને વેપારમાં થયેલા નુકસાનની ભરપાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ કરવાની માંગણી કરવામાં આવી છે. CAITની પ્રેસ રિલિઝમાં કહેવામાં આવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 12 સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોઈપણ આફતથી પ્રભાવિત લોકોના નુકસાન માટે વળતર આપવામાં આવશે. તેથી તે મુજબ સરકાર દ્વારા આજીવિકા કમાવવાના માધ્યમોને પુનઃસ્થાપિત કરવા માટે સહાય પૂરી પાડવામાં આવે.
CAIT તેની પ્રેસ રિલિઝમાં કહ્યું હતું કે કે વર્ષ 2020 થી અત્યાર સુધી, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સમયાંતરે દેશમાં ત્રણ વખત લોકડાઉન લાદ્યું હતું, જેમાં પ્રથમ બે લોકડાઉનમાં વેપારીઓને તેમની દુકાનો લાંબા સમય સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જ્યારે આ વર્ષે કોરોનાના કેસોમાં ઝડપથી થઈ રહેલા વધારાને કારણે સરકારોએ ઘણા પ્રકારના નિયંત્રણો લાદ્યા હતા, જેના કારણે દેશભરના વેપારીઓની આજીવિકાના માધ્યમો પર ખરાબ અસર પડી હતી.