ન્યુઝ કન્ટિન્યુ ઝબ્યુરો.
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
મુંબઈની બજારોમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યાર બાદ લગ્નની સિઝન પણ શરૂ થઇ જશે. તેથી કોરોનાકાળમાં મંદ પડેલા કાપડ બજારમાં થોડી ગતિ આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે. વ્યાપારીઓનું કહેવું છે કે લગ્ન પ્રસંગ, પાર્ટી વગેરેમાં મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિતીની પરવાનગી હોવાથી ટ્રેડિશનલ વસ્ત્રોનું વેચાણ ઘટ્યું છે.
લોકડાઉન દરમિયાન એકદમ ઠપ થયેલો આ ધંધો હાલમાં 40થી 50 ટકા જેટલો ચાલી રહ્યો છે. વસ્ત્રોની દુકાનોના કર્મચારીઓના પગાર 10થી 15 ટકા ઘટાડવામાં આવ્યા છે. કર્મચારીઓની સંખ્યા પણ ઓછી કરવામાં આવી હોવાનું કેટલાક વ્યાપારીઓએ કહ્યું હતું.
દહિસરના રીટેલ વ્યાપારી મહેન્દ્ર નંદુએ કહ્યું હતું કે અત્યારે દૂરથી આવનારા ગ્રાહકો ખરીદી કરવાનું ટાળીને પોતાની નજીકની દુકાનોમાંથી ખરીદી કરે છે. તેમજ ઓનલાઇન ખરીદી વધી ગઇ હોવાની અસર પણ થઈ છે. તહેવારોમાં 20 ટકા જેટલી ઘરાકી વધે છે. બાકીના હાલ તો લોકો રેગ્યુલર વેઅર લેનારા ગ્રાહકો વધુ છે. પાર્ટી વેઅર, ફોર્મલ વેઅર, પારંપારિક વસ્ત્રોની ડિમાન્ડ એકદમ ઘટી ગઇ છે. આશા છે કે દિવાળી દરમિયાન અને ત્યાર બાદ સ્થિતિ સુધરે.