ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
મુંબઈ સહિત દેશભરમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે, તેને પગલે ફરી એક વખત દેશના જુદા જુદા વ્યવસાયને આર્થિક ફટકો પડવાનું શરૂ થઈ ગયું છે. બરોબરની લગ્નની મોસમમાં જ કોરોનાની ત્રીજી લહેરના આગમનથી ફરી એક વખત તેની સાથે જોડાયેલા વ્યવસાય માટે બુરે દિન શરૂ થઈ ગયા હોવાનું વેપારી આલમમાં ફરી એક વખત ચિંતા વ્યાપી ગઈ છે.
ગયા વર્ષમાં 14 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી દેશભરમાં લગ્નનો પ્રથમ તબક્કો રહ્યો હતો, જેમાં દેશભરમાં લગભગ 25 લાખ લગ્નો દ્વારા લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. તેથી દેશભરના વેપારીઓમાં ભારે ઉત્સાહનું વાતાવરણ હતું. 14મી જાન્યુઆરી સંક્રાંતિના દિવસ બાદ લગ્નના મુહૂર્તો ફરી હોવાથી વેપારીઓ ફરી એક વખત જોરદાર ધંધો થાની આશા હતા. તે મુજબ વેપારીઓએ મોટા પાયે તૈયારીઓ કરી રાખી હતી. પરંતુ અચાનક દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે વ્યવસાયને જબરદસ્ત નુકસાન થવાની ચિંતા કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ વ્યક્ત કરી છે.
દેશભરમાં બીજા તબક્કાના લગ્નોની આ સિઝનમાં 30 લાખથી વધુ લગ્નો થકી 4 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાની અપેક્ષા હતી. પરંતુ કોરોનાના કેસ વધવાથી કોવિડને લગતા પ્રતિબંધો અમલમાં આવવાને કારણે હવે લગ્નસરાને લગતા વ્યવસાયને અસર થવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે વેપારીઓનો ઉત્સાહ તૂટી ગયો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટ મુજબ માત્ર મુંબઈમાં જ આ લગ્નની આ મોસમમાં 1.5 લાખથી વધુ લગ્નો થવાના છે, પરંતુ કોવિડને લગત પ્રતિબંધો અમલમાં મુકવામાં આવ્યા છે. જેમાં હવે મુંબઈમાં લગ્નોમાં માત્ર 50 લોકોને જ આમંત્રણ આપવાની મર્યાદા હવે નક્કી કરવામાં આવી છે. એ જ રીતે દેશના અન્ય રાજ્યોમાં લગ્નમાં 50 કે માત્ર 100 લોકોને જ આવવા દેવામાં આવ્યા છે. તેવી જ રીતે લગ્નને લગતી પ્રવૃત્તિઓ પર પણ અન્ય ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જેના કારણે લગ્નની સિઝનમાં મોટા ભાગના ધંધાને ભારે નુકસાન થવાનું છે.
શેરબજારમાં વર્ષ 2022 ના કારોબારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ અને નિફટીમાં આવ્યો આટલા ટકાનો ઉછાળો
CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બીસી ઈન્ડિયા અને રાષ્ટ્રીય મહાસચિવ શ્રી પ્રવીણ ખંડેલવાલે બહાર પાડેલા મિડિયા સ્ટેટમેન્ટ મુજબ જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રણ મહિનામાં લગભગ 17 મુખ્ય લગ્ન મુહૂર્ત છે. તે માટે બેન્ક્વેટ હોલ, હોટલ, ખુલ્લા લૉન, ફાર્મ હાઉસમાં લગ્ન માટેનું તમામ આયોજન કરી નાખવામાં આવ્યું હતું. દરેક લગ્નમાં એક્સેસરીઝની ખરીદી ઉપરાંત, ટેન્ટ ડેકોરેટર, ફ્લાવર ડેકોરેશન, ક્રોકરી, કેટરિંગ સર્વિસ, ટ્રાવેલ સર્વિસ, કેબ સર્વિસ, વેલકમિંગ પ્રોફેશનલ ગ્રુપ્સ, શાકભાજી વિક્રેતાઓ, ફોટોગ્રાફર્સ સહિતની વિવિધ પ્રકારની સેવાઓ પણ સામેલ છે. બેન્ડ-બાજા, શહેનાઈ, ઓર્કેસ્ટ્રા, ડીજે, સરઘસ માટેના ઘોડા, વેગન, લાઈટ વાલે અને બીજી અનેક પ્રકારની સર્વિસ આ વખતે મોટો ધંધો કરે તેવી શક્યતા હતી. સાથે ઈવેન્ટ મેનેજમેન્ટ પણ એક મોટા બિઝનેસ તરીકે ઉભરી આવ્યું છે. કોવિડ સંક્રમણમાં ઝડપથી વધારો થયા બાદ હવે આ તમામ કેટેગરીમાં બિઝનેસમાં નોંધપાત્ર ઘટાડો થશે અને મોટી સંખ્યામાં લોકો જે અસ્થાયી રોજગાર મેળવતા હતા તે પણ ખૂબ જ ઓછા થઈ જશે.
CAIT ના અન્ય પદાધિકારીના કહેવા મુજબ લગ્નની સિઝનના આ બીજા તબક્કામાં લગભગ સાત લાખ લગ્નોમાં લગ્ન દીઠ આશરે બે લાખ રૂપિયાનો ખર્ચ, છ લાખ લગ્નોમાં લગભગ પાંચ લાખનો ખર્ચ, તો 10 લાખ લગ્નો લગ્ન દીઠ 10 લાખ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત હતો. છ લાખ લગ્ન જેમાં લગ્ન દીઠ 25 લાખ, 50 હજાર લગ્ન જેમાં એક લગ્ન દીઠ આશરે 50 લાખ અને 50 હજાર એવા લગ્ન જેમાં 1 કરોડ કે તેથી વધુ નાણાનો ખર્ચ થવાનો અંદાજ હતો. એકંદરે આ એક મહિનાની લગ્ન સિઝનમાં, બજારોમાં લગ્નની ખરીદી દ્વારા બજારોમાં 4 લાખ કરોડ રૂપિયાથી વધુના નાણાના પ્રવાહ રહ્યો હોત. દેશભરના વેપારીઓએ ઘણી તૈયારીઓ કરી હતી પરંતુ હવે કોરોનાએ તમામ તૈયારીઓ પર પાણી ફેરવી નાખ્યું છે અને ફરી એક વખત વેપારીઓને માથા પર હાથ મૂકીને રડવાનો વખત આવ્યો છે.
રાહત ભેરલું નવું વર્ષ: ઇન્ડિયન ઓઈલએ આપી ભેટ, એલપીજી સિલિન્ડરના ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો
CAIT ના પદાધિકારીઓના કહેવા મુજબ દરેક લગ્નના ખર્ચના લગભગ 20 ટકા ખર્ચ વર-કન્યાને જાય છે જ્યારે 80 ટકા લગ્નની તૈયારીઓ સાથે જોડાયેલી અન્ય ત્રીજી એજન્સીઓને જાય છે. લગ્નની સિઝન પહેલા, જ્યાં ઘર અને પેન્ટ વગેરેના સમારકામનો મોટો ધંધો હોય છે, ખાસ કરીને ઘરેણાં, સાડી, લહેંગા-ચુન્ની, તૈયાર વસ્ત્રો, કપડાં, ફૂટવેર, લગ્ન અને શુભેચ્છા કાર્ડ, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ, ફળોનો, પૂજાની વસ્તુઓ, કરિયાણા, ખાદ્યપદાર્થો, શણગારની વસ્તુઓ, ઇલેક્ટ્રિકલ યુટિલિટી, ઇલેક્ટ્રોનિક્સ અને ઘણી ભેટ વસ્તુઓ વગેરેનો વિશેષ વ્યવસાય છે. આ તમામ વ્યવસાયને આગામી દિવસમાં હજી ફટકો પડવાનો છે.