ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયું. તેમના મોતની તપાસ માટે હોંગકોંગથી મર્સિડિઝ બેન્ઝના ઓફિસરોની એક ટીમ થાણા પહોંચી. આ ટીમ અકસ્માતનો ભોગ બનેલી મર્સિડિઝ કારની તપાસ કરશે. આ અકસ્માતમાં મિસ્ત્રી અને તેમના મિત્રનું મોત નિપજ્યું હતું.
પાલઘરના એસપી બાલાસાહેબ પાટિલે કહ્યું કે ત્રણ સભ્યોનું એક્સપર્ટ ગ્રુપ હોંગકોંગથી આવ્યું છે. પોલીસ અધિકારીઓની હાજરીમાં આ ગ્રુપ તપાસ કરશે. તેમણે કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત થયેલી કારને થાણામાં મર્સિડિઝ બેન્ઝના યુનિટમાં રાખવામાં આવી છે. અહીં પહોંચીને આ ગ્રુપ તપાસ કરશે અને પછી મર્સિડિઝ બેન્ઝ કંપનીને પોતાનો રિપોર્ટ સોંપશે. ગત અઠવાડિયે મર્સિડિઝ બેન્ઝે સાયરસ મિસ્ત્રી દુર્ઘટના મામલે પોતાનો વચગાળાનો રિપોર્ટ પાલઘર પોલીસને સોંપ્યો. જેમાં કહેવાયું છે કે રોડ પર બનેલા ડિવાઈડરથી ટકરાતા પાંચ સેકન્ડ પહેલા ગાડીની બ્રેક મારવામાં આવી હતી.
દરમિયાન કંપનીએ કહ્યું કે તે કાર દુર્ઘટનાની તપાસમાં અધિકારીઓની સાથે સહયોગ કરી રહી છે અને માત્ર તેમની સાથે જ પરિણામ શેર કરશે. વચગાળાના રિપોર્ટમાં કહેવાયું છે કે દુર્ઘટનાની થોડી સેકન્ડ પહેલા કારની ગતિ ૧૦૦ કિમી પ્રતિ કલાક હતી જ્યારે પૂલ પર ડિવાઈડર સાથે કાર ટકરાઈ તે સમયે ૮૯ કિમી પ્રતિ કલાક હતી. પાલઘર પોલીસે કાર નિર્માતા કંપનીને અનેક પ્રકારના સવાલ પૂછ્યા છે જેમ કે એરબેગ કેમ ખુલ્યા નહીં? ગાડીમાં શું કોઈ ટેકનિકલ ખામી હતી? ટાયર પ્રેશર કેટલું હતું? કારનું બ્રેક ફ્લૂઈડ શું હતું?