ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરૂવાર
કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનથી ફળો અને શાકભાજીના ઘણા વેપારીઓની માગ અને વેચાણમાં ઘટાડો થયો છે. પરિણામે ઘણા ખેડૂતોએ તેમનાં ખેતરોમાં વાવેલાં શાકભાજી અને ફળો ખેતરમાં જ સડી ગયાં છે. એક મીડિયા અહેવાલ મુજબ ઔરદ શાહજાનીમાં ઉમાકાંત ભંડારેના ખેતરની બે એકર જમીનમાંથી સેંકડો ટન તરબૂચ વેપાર બંધ હોવાથી ખેતરમાં સડે છે.
ઉમાકાંતે તેના બે એકરના ખેતરમાં 1 લાખ રૂપિયાના ખર્ચે તરબૂચનું વાવેતર કર્યું હતું, પરંતુ આ તરબૂચની લૉકડાઉનના સમયગાળા દરમિયાન લણણી કરવામાં આવી હોવાથી તરબૂચની માગ નથી. તરબૂચ ખેતરમાં પડ્યાં હોવાથી ગામમાં વેચવા છતાં પણ ઉત્પાદન-ખર્ચ કાઢી શકાયો નથી.
આવી જ સમસ્યા ખેડૂત કન્હૈયા પાટીલની છે. તેણે તેના એક એકરના ખેતરમાં લીલાં મરચાંનું વાવેતર કર્યું હતું. મરચાના છોડમાં ઘણાં મરચાં હતાં, પરંતુ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં તાળાબંધી થતાં મરચાંની માગ ઘટી ગઈ હતી. એથી આ મરચાં છોડ પર સુકાવા લાગ્યાં છે અને ઉત્પાદન-ખર્ચ જેટલું વેચાણ કરવું પણ મુશ્કેલ બન્યું છે.
ઉલ્લેખનીય છે કે લૉકડાઉનથી અનેક વેપારીઓ અને ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. અસરગ્રસ્ત ખેડૂતોની અપેક્ષા છે કે સરકાર તેમને સહાય પૂરી પાડે.