ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
તહેવારો નજીક આવવાની સાથે જ બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થમાં મિલાવટની શક્યતા વધી જતી હોય છે ત્યારે દેશની બજારમાં વેચાતા 3.8% ખાદ્ય પદાર્થ ખાવાને લાયક ન હોવાનું ચોંકાવનારી વિગત બહાર આવી છે. એટલે બજારોમાં મળતા ખાદ્ય પદાર્થ મિલાવટવાળા હોય છે, જે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું કરનારા છે. સરેરાશ 24.58 ટકા નમૂના એના સ્ટાન્ડર્ડ લેવલમાં ખરા ઊતર્યા નહોતા.
તહેવારો પહેલાં જ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ 2019-20ના વાર્ષિક રિપૉર્ટમાં જાહેર કરેલી માહિતી મુજબ દેશની બજારોમાં વેચાઈ રહેલા 24.58 ટકા ખાદ્ય પદાર્થના નમૂના તપાસ દરમિયાન ગુણવત્તાના સ્તર કરતા નીચા રહ્યા હતા. માર્કેટમાં ખુલ્લેઆમ વેચાઈ રહેલા 3.8 ટકા ખાદ્ય પદાર્થ ખાવાને લાયક પણ નથી.
રિપૉર્ટ મુજબ મિલાવટખોરો પાસેથી 2019-20ના વર્ષમાં 59.35 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. દેશભરની બજારોમાંથી લેવામાં આવેલાં 1,18,775 સૅમ્પલમાંથી 27,412 પ્રકરણમાં સિવિલ કેસ અને 4,681 પ્રકરણમાં ક્રિમિનલ કેસ ચાલુ કરવામાં આવ્યા હતા. એમાં સિવિલ અને ક્રિમિનલ કેસમાં કુલ 17,702 કેસમાં કોર્ટે ચુકાદો આપી દીધો છે.
એટલે કે મિલાવટખોરીના આરોપમાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ વર્ષ દરમિયાન જેટલાં પણ સૅમ્પલ લીધાં હતાં, એમાંથી માત્ર 14.90 ટકા કેસ કોર્ટમાં સાબિત કરી શકી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે 2018-19માં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ 1,06,459 નમૂના ચકાસ્યા હતા. એમાંથી 3.7 ટકા ( 3,900) નમૂના અસુરક્ષિત સાબિત થયા હતા. સમગ્ર દેશની બજારોમાં ખાદ્ય સામગ્રીમાં 16.05 ટકાનો વધારો થયો છે.
મહારાષ્ટ્રમાં પણ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના રિપૉર્ટ મુજબ 5,962 નમૂના લેવામાં આવ્યા હતા, એમાંથી 3.6 ટકા એટલે કે 216 સૅમ્પલ ખાવાને લાયક ન હોવાનું જણાયું હતું.