News Continuous Bureau | Mumbai
રશિયા-યુક્રેનમાં હાલ ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિ પર બધાની નજર છે. યુદ્ધની અસર પણ આખી દુનિયામાં દેખાઈ રહી છે. રશિયાના ભારત સાથે પણ સારા વેપારી સંબંધો છે. આવી સ્થિતિમાં યુદ્ધની તંગ પરિસ્થિતિમાં ભારતના હીરાના વેપારીઓને નુકસાનનો ભય સતાવી રહ્યો છે. કારણ કે યુક્રેન પર હુમલો કરવા બદલ અમેરિકા અને યુરોપિયન દેશો દ્વારા રશિયા પર મૂકવામાં આવેલા આર્થિક પ્રતિબંધોની સીધી અસર ભારતના હીરા ઉદ્યોગ પર પડવાની શક્યતા છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં લગભગ 40% રફ હીરા રશિયાની અલરોસા ખાણમાંથી આવે છે, જે વિશ્વની સૌથી મોટી ખાણોમાંની એક છે. ભારતમાં પહોંચ્યા પછી, મોટાભાગના હીરા કટિંગ, પોલિશિંગ અને પ્રોસેસિંગ માટે ગુજરાતના સુરત શહેરમાં જાય છે. વિશ્વના લગભગ 80% હીરા સુરતમાં પ્રોસેસ થાય છે અને પછી નિકાસ થાય છે. યુએસ પોલિશ્ડ હીરાનો ભારતનો સૌથી મોટો ગ્રાહક છે અને રશિયાથી આયાત થતા હીરાની ખરીદી પરના કોઈપણ નિયંત્રણો ભારતીય હીરા ઉદ્યોગને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં રશિયા અને યુક્રેનના સંઘર્ષ વચ્ચે ભારતના હીરા ઉદ્યોગકારો ડરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : યુક્રેન-રશિયાના યુદ્ધમાં મેટલ માર્કેટમાં આગ ઝરતી તેજી. ઈ-વ્હીકલ, મોબાઈલ સહિત આ વસ્તુઓ થશે મોંઘી… જાણો વિગતે
આ અંગે સુરત શહેરના હીરા ઉદ્યોગપતિ કીર્તિ શાહ કહેવું છે કે જો કે રશિયા તરફથી ખાતરી આપવામાં આવી છે કે તેમની તરફથી હીરાની નિકાસમાં કોઈ ઘટાડો નહીં થાય, પરંતુ તેમ છતાં છેલ્લા 10-12 દિવસથી બજાર નીચે આવ્યું છે. મોટાભાગના હીરાની નિકાસ અમેરિકામાં થાય છે, પરંતુ આવનારા સમયમાં જો અમેરિકા યુદ્ધમાં ભાગ લે અને રશિયા પર પ્રતિબંધ લાદે તો સમગ્ર ઉદ્યોગને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
એક હીરાના વેપારીએ નામ ન આપવાની શરતે મીડિયાને જણાવ્યું કે જો યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ આમ જ ચાલતું રહેશે અને અમેરિકા તેમાં સામેલ થશે તો ડોલર સામે ભારતીય રૂપિયો વધુ નબળો પડી શકે છે. અત્યારે ડૉલર લગભગ 80 રૂપિયા પર પહોંચી ગયો છે. આના કારણે ભારતના હીરાના વેપારીઓ ઓછી આયાત કરશે, જેના કારણે આગળનું કામ ઘટી શકે છે અને જો આમ જ ચાલુ રહેશે તો ઘણા લોકોની નોકરીઓ છીનવાઈ શકે છે. જેના કારણે ભારતની આર્થિક સ્થિતિમાં પણ થોડી નકારાત્મક અસર જોવા મળી શકે છે.
નોંધનીય છે કે ભારતના જ્વેલરી સેક્ટરનો દેશના જીડીપીમાં લગભગ 7% હિસ્સો છે, જે એક મોટો હિસ્સો છે અને ગયા વર્ષે ભારતમાંથી લગભગ $32 બિલિયનની નિકાસ કરવામાં આવી હતી.