News Continuous Bureau | Mumbai
Mukesh Ambani Deal: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યાં છે. તાજેતરમાં, તેમણે ઘણા નવા બિઝનેસમાં રોકાણ કરવાનું નક્કી કર્યું છે. હવે ભારતના આ પ્રખ્યાત દિગ્ગજનું ધ્યાન એક મોટી વિદેશી કંપની પર છે. આ કંપનીનું નામ થ્રાઈવ કેપિટલ (Thrive Capital) છે. તેની શરૂઆત વર્ષ 2009માં જોશ કુશનર (Josh Kushner) એ કરી હતી.
બ્લૂમબર્ગે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે થ્રાઈવ કેપિટલમાં લગભગ 3.3 ટકા હિસ્સો ખરીદવાની રેસમાં મુકેશ અંબાણી સિવાય ફ્રાન્સના ઝેવિયર નીલ (Xavier Niel) અને બ્રાઝિલના જોર્જ પાઉલો લેમેન (Jorge paulo lemann) પણ સામેલ છે. તેઓ પણ કંપનીમાં 3.3 ટકા હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. વોલ્ટ ડિઝની (Walt Disney) ના સીઈઓ રોબર્ટ ઈગર (Robert Iger) અને કેકેઆર એન્ડ કંપની (KKR & Co) ના સ્થાપક હેનરી ક્રાવીસ (Henry Kravis) પણ રેસમાં છે.
આટલા મિલિયન ડોલર ખર્ચ કરશે અંબાણી
બ્લૂમબર્ગે રિપોર્ટમાં આગળ જણાવ્યું છે કે, મુકેશ અંબાણીએ થ્રાઇવ કેપિટલમાં 3.3 ટકા હિસ્સો ખરીદવા માટે 175 મિલિયન ડોલર ખર્ચવા પડશે. આ ડીલ થ્રાઇવ કેપિટલનું મૂલ્ય 5.3 બિલિયન લગાવવામાં આવી છે. વર્ષ 2021માં તેની કિંમત 3.6 બિલિયન ડોલર હતી. તે સમયે કંપનીએ ગોલ્ડમેન સેક્સ ગ્રુપને અમુક હિસ્સો વેચ્યો હતો. પરંતુ બાદમાં તે પાછી ખેંચી લેવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: ખુશખબર / હવે ફક્ત 1199 રૂપિયામાં કરો હવાઈ સફર, સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ માટે ઓફર શરૂ
અમીરોની યાદીમાં અહીં છે મુકેશ અંબાણી
જણાવી દઈએ કે મુકેશ અંબાણી હાલમાં વિશ્વના 12મા સૌથી અમીર વ્યક્તિ છે. તેમના નેટવર્થ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સે 83.9 અબજ ડોલર જણાવ્યું છે. હવે તેઓ અન્ય ક્ષેત્રોમાં પણ પોતાનો બિઝનેસ વિસ્તારી રહ્યાં છે. લાંબા સમયથી તેઓ વિશ્વના ટોપ 10 અમીર લોકોની યાદીમાં સામેલ હતા. પરંતુ થોડા દિવસો પહેલા તેમને ઘણું નુકસાન સહન કરવું પડ્યું અને તેઓ અમીરોની યાદીમાંથી બહાર થઈ ગયા હતા. છેલ્લા 24 કલાકમાં તેમને 838 મિલિયન ડોલરનું નુકસાન થયું છે.
વાત કરીએ થ્રાઇવ ઈન્વેસ્ટમેન્ટ ફર્મની તો તેણે કમ્પાસ ઇન્ક., ઓપનડોર ટેક્નોલોજીસ ઇન્ક., ઓસ્કાર હેલ્થ ઇન્ક., સેલિબ્રિટી કિમ કાર્દાશિયન, હિમ્સ એન્ડ હર્સ હેલ્થ ઇન્ક., યુનિટી સોફ્ટવેર ઇન્ક., એફર્મ હોલ્ડિંગ્સ ઇન્ક સહિત વિવિધ કંપનીઓમાં રોકાણ કર્યું છે.