ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ 30 જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
દાળ–કઠોળ પર કેન્દ્ર સરકારે લાદેલી સ્ટૉક મર્યાદા સામે વેપારીઓના ભારે વિરોધ બાદ લગભગ પખવાડિયા પહેલાં એને પાછી ખેંચી લેવામાં આવી હતી. હોલસેલ વેપારીઓ પર કઠોળમાં 200 મૅટ્રિક ટનની સ્ટૉક મર્યાદાને હવે 500 ટન કરી નાખવામાં આવી છે, તો ઇમ્પોર્ટરો માટે સ્ટૉક મર્યાદા હટાવી દેવામાં આવી છે. છતાં રિટેલ બજારમાં દાળ-કઠોળના ભાવ વધી રહ્યા છે. એથી બજારમાં દાળ-કઠોળનો સ્ટૉક તથા વધતા ભાવને મુદ્દે આજે મિનિસ્ટ્રી ઑફ કન્ઝ્યુમર અફેર, ફૂડ ઍન્ડ પબ્લિક ડ્રિસ્ટ્રિબ્યુશનના સેક્રેટરિયલ ખાતાએ દાળ-કઠોળના ઇમ્પોર્ટર અને હોલસેલરો સાથે બેઠક કરી હતી તથા વેપારીઓ પાસે દાળ-કઠોળના ભાવ અંકુશમાં કેવી રીતે લાવી શકાય એ બાબતે સૂચનો માગ્યાં હતાં.
અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના મુંબઈ વિભાગના અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે બજારમાં દાળ-કઠોળના ભાવ વધી રહ્યા છે. એથી ભાવ ઘટાડવાના સંદર્ભમાં સરકારે વેપારીઓ પાસે સૂચનો માગ્યાં હતાં. જેમાં સરકાર દ્વારા મિનિમમ સપૉર્ટ પ્રાઇસ(MSB) વારંવાર વધારવામાં આવી રહી છે, એ બાબતે વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.
MSBના ભાવ નીચે કરવા પર સરકારની મનાઈ છે, એથી કાચા માલની ખરીદી ઊંચા ભાવમાં થતી હોવાથી માલ જ્યારે બજારમાં આવે છે ત્યારે એના પર ઘણી પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ ફિનિશ્ડ પ્રોડક્ટ બને છે. એ હાલ બજારની પરિસ્થિતને અનુકૂળ છે. એટલે સરકારે ભાવ નીચા લાવવા હોય તો MSB નીચે લાવવાની જરૂર છે. એના પર સરકારે વિચાર કરવો જરૂરી છે. જો MSB નીચી કરે તો ખેડૂતોને ભાવ ઓછો મળશે, પંરતુ કઠોળનું ઉત્પાદન કરનારો ભારતની વસતિનો માત્ર દોઢ ટકા છે. દોઢ ખેડૂતોને લાભ આપવા માટે 98 ટકા જનતાને સરકાર નુકસાન કરી રહી છે. એથી સરકારે બંનેનું સમતોલન રાખીને વિચાર કરવો જોઈએ એવી રજૂઆત વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી.
રિટેલમાં સરકારને ભાવ નીચા જોઈએ છે, પરંતુ ખેડૂતોને ભાવ વધારે આપવા છે. બંને વસ્તુ શક્ય નથી એવું પણ વેપારીઓએ સરકારને ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું. આ મુદ્દે લાંબી બેઠક થયા બાદ સરકારે આ મુદ્દે બહુ જલદી નિર્ણય લેવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.