News Continuous Bureau | Mumbai
આખા વિશ્વના વિરોધ વચ્ચે ભારતે રશિયા પાસેથી ધરાર ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. વિશ્વની સૌથી શક્તિશાળી મહાસત્તા એટલે કે અમેરિકાએ પણ ભારતને રશિયા પાસેથી ઓઇલ ન ખરીદવા સમજાવ્યું હતું. પરંતુ ભારત તેના વર્ષો જૂના મિત્ર સાથે ખડે પગે ઉભો રહ્યો. આ કારણથી યુનાઈટેડ નેશન્સમાં યુક્રેને ભારત વિરુદ્ધ અનેક આરોપો લગાડ્યા હતા.
જોકે હવે વાતમાં ફરક આવ્યો છે. ભારતને એવું લાગી રહ્યું હતું કે રશિયા સાથેના વેપારમાં નફો થશે. આ ઉપરાંત રશિયા સાથેનો બધો જ વેપાર ભારતીય કરન્સીમાં કરવાને કારણે વૈશ્વિક સ્તર પર રૂપિયા નું કદ વધી જશે. પરંતુ ભારત અને રશિયાએ રૂપિયામાં પરસ્પર કારોબાર કરવાની વાતચીત બંધ કરી દીધી છે. આ મામલે બંને વચ્ચે મહિનાઓથી વાતચીત ચાલી રહી હતી. આ પ્રતિબંધને ભારતીય આયાતકારો માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
ભારત સરકારના એક અધિકારીએ નામ ન આપવાની શરતે મીડિયાને જણાવ્યું હતું કે રશિયાનું માનવું છે કે જો આ સિસ્ટમ પ્રમાણે કામ કરવામાં આવ્યું તો રૂપિયાને અન્ય ચલણમાં બદલવાનો ખર્ચ રશિયા માટે વધી જશે. મીડિયા અહેવાલ અનુસાર, તાજેતરમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠક માટે ગોવા આવેલા રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે પત્રકારોને જણાવ્યું હતું કે, રશિયા પાસે ભારતીય બેંકોમાં અબજો રૂપિયા છે, પરંતુ રશિયા આ રૂપિયાનો ઉપયોગ કરી શકતું નથી. ગયા વર્ષે યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારતે રૂપિયામાં બિઝનેસ કરવાની વાત કરી હતી. પરંતુ હજુ સુધી રૂપિયામાંમાં કોઈ સોદો થયો નથી. મોટાભાગનો બિઝનેસ માત્ર ડોલરમાં જ થાય છે, આ સિવાય UAEની કરન્સી દિરહામનો ઉપયોગ પણ વધ્યો છે.
મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા છે કે રશિયાના આ ધોરણ માટે ચીન જવાબદાર હોઈ શકે છે. વૈશ્વિક સ્તર પર રૂપિયાનું વધતું કદ બેઈજીંગને માફક નથી આવી રહ્યું.
આ સમાચાર પણ વાંચો: વૈશ્વિક ધનિકોની યાદી : મુકેશ અંબાણી ફરી ઝકરબર્ગથી નિકળ્યા આગળ, પરંતુ ગૌતમ અદાણી બે સ્થાન નીચે સરક્યાં