News Continuous Bureau | Mumbai
Petrol and Diesel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. તાજેતરમાં જ સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. તેના પછી ભાવમાં ઘટાડો થયો હતો. આમ છતાં ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે. હવે કિંમત ઘટાડવાના હેતુથી નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટો સંકેત આપ્યો છે. નાણામંત્રીએ જણાવ્યું કે, જો રાજ્ય તૈયાર હોય તો પેટ્રોલિયમ ઉત્પાદનોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ લાવી શકાય છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી સરકારનો પ્રયાસ આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે જાહેર ખર્ચ (Public Expenditure) વધારવાનો છે.
નાણામંત્રીએ આ અંગે વિકલ્પ ખુલ્લો રાખ્યો
ઈન્ડસ્ટ્રી બોડી પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (PHDCCI) ના સભ્યો સાથેની પોસ્ટ-બજેટ મીટિંગમાં નાણામંત્રીએ જણાવ્યું કે, પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાની જોગવાઈ પહેલેથી જ છે. મારા પહેલા નાણામંત્રીએ આ મામલે વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.આપને જણાવી દઈએ કે પાંચ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ક્રૂડ ઓઈલ, પેટ્રોલ, હાઈ સ્પીડ ડીઝલ, નેચરલ ગેસ અને એવિએશન ઈંધણ GSTની બહાર છે. GST કાઉન્સિલે આ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાની તારીખ પર વિચાર કરવો પડશે.
આગામી બેઠક નવી દિલ્હી ખાતે 18 ફેબ્રુઆરીના રોજ
તેમણે જણાવ્યું કે, રાજ્યો સંમત થયા બાદ અમે પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવશું. આપને જણાવી દઈએ કે, જો પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવામાં આવે છે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. GST કાઉન્સિલની આગામી બેઠક 18 ફેબ્રુઆરી, 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. નાણામંત્રીએ એમ પણ જણાવ્યું કે, સરકારે નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં મૂડી ખર્ચમાં 33 ટકાનો વધારો કરીને 10 લાખ કરોડ રૂપિયા કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : ઇન્વેસ્ટર્સ ટેન્શન ના લે, લોન ચૂકવવા પુરતા રૂપિયા છે, ગ્રોથ પર હજુ પણ અમારું ફોકસ… અદાણી ગ્રુપનું મોટું નિવેદન
તેમણે જણાવ્યું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જાહેર મૂડી ખર્ચ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અમે આ બજેટમાં પણ તેને ચાલુ રાખ્યું છે. સ્પષ્ટપણે કહી શકાય કે આ બજેટમાં મૂડી ખર્ચ પર ભાર મૂકવામાં આવ્યો છે. સીતારમણે જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોમાં આ પહેલીવાર છે જ્યારે મૂડી ખર્ચ બે આંકડા સુધી પહોંચ્યો છે. તે દર્શાવે છે કે બજેટમાં કોઈ વસ્તુને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યોને પાવર સહિતના વિવિધ ક્ષેત્રોમાં સુધારાને પ્રોત્સાહન આપવા અને એક દેશ, એક રાશન કાર્ડ લાગુ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
Join Our WhatsApp Community