News Continuous Bureau | Mumbai
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરૂષને લઈને સમગ્ર દેશમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે ઉત્તરાખંડમાં યોજાયેલ રામકથા દરમિયાન કથાકાર મોરારિ બાપુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં મોરારિ બાપુએ ભગવાન રામને લઈને ફિલ્મ કે નાટક વગેરે બનાવતા પૂર્વે તેમની સલાહ લેવાનું જણાવ્યું છે.
ગુજરાતના જાણીતા કથાકાર મોરારિ બાપુ હાલ ઉત્તરાખંડમાં રામકથા કરી રહ્યા છે. ત્યારે આ રામકથા દરમિયાન મોરારિ બાપુએ નમ્ર ભાવે જણાવ્યું હતું કે, હું છેલ્લા 65 વર્ષથી રામકથા કરી રહ્યો છું. વાલ્મિકી અને તુલસીદાસ રચિત રામાયણને માધ્યમ બનાવવી જોઈએ અને વધુ કોઈ માહિતી જોઈએ તો એ વિશે મને પૂછી શકો છો. મોરારિ બાપુએ વધુમાં કહ્યું કે, ફિલ્મ બનાવો કે પછી નાટક બનાવો પણ તેના માટે રામાયણનો આધાર લેવો જરૂરી છે, કોઈને ન પૂછો પણ મને પૂછો તો હું રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીકત કહીશ.
આ સમાચાર પણ વાંચો: ટેક્સી-રિક્ષા ચાલકો ઓવરચાર્જિંગ અને મીટર સાથે ચેડા કરવા બદલ નેટમાં; ટ્રાફિક પોલીસની સ્ટ્રાઈક એક્શન
ફિલ્મનો સમગ્ર દેશમાં વિરોધ
મોરારિ બાપુએ રામાયણ સિરિયલના રામાનંદ સાગરને પણ યાદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા પછીથી સમગ્ર દેશમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં ભગવાન હનુમાનજીના ડાયલોગને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે લોકોનો રોષ જોઈને મેકર્સ દ્વારા ફિલ્મના ડાયલોગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.