ભર ઉનાળે મુંબઈગરાના માથા પર 15 ટકા પાણીકાપ લાદવામાં આવ્યો છે. થાણેમાં બોરવેલના ખોદકામને કારણે મુંબઈ મહાનગરપાલિકાની વોટર ટનલને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તેને કારણે પાઈપલાઈનમાં ગળતર ચાલુ થઈ ગયું હતું અને દરરોજ હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો હતો. આખરે મુંબઈ મહાનગરપાલિકાએ હવે થાણેમાં ને રિપેર કરવાનો નિર્ણય લીધો છે. તેથી 31 માર્ચથી આગામી 30 દિવસ સુધી એટલે કે એક મહિના સુધી 15 ટકા પાણીકાપ રહેશે. તેથી નાગરિકોને પાણીનો સંભાળીને ઉપયોગ કરવાની અપીલ પાલિકાએ કરી છે.
BMC હાઈડ્રોલિક વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, થાણેમાં મુંબઈને પાણી પુરૂ પાડતી પાણીની ટનલને બોરવેલ ખોદતી વખતે નુકસાન થયું હતું. આ લીકેજનું સમારકામ 31 માર્ચથી શરૂ કરવામાં આવશે, જે આગામી 30 દિવસ સુધી ચાલુ રહેશે, તેથી આ સમયગાળા દરમિયાન મુંબઈ શહેર, પૂર્વ ઉપનગરો અને પશ્ચિમ ઉપનગરોમાં 15 ટકા પાણી કાપ રહેશે. આ સાથે, આ કપાત થાણે શહેરમાં પણ લાગુ થશે.
BMC અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ શહેર અને ઉપનગરોને પૂરા પાડવામાં આવતા કુલ પાણીના લગભગ 65 ટકાને ભાંડુપ વોટર ફિલ્ટર પ્લાન્ટમાંથી મોકલવામાં આવે છે. આ પ્લાન્ટને 75 ટકા પાણી પુરવઠો 5,500 મીમી વ્યાસની 15 કિમી લાંબી વોટર ટનલ દ્વારા થાય છે.
આ સમાચાર પણ વાંચો : હવે મુંબઈથી પુણે જવું પડશે મોંઘુ, 1 એપ્રિલથી લાગુ થશે નવા ટોલ દરો.. જાણો નવા ટોલ રેટ
પાણીની ટનલ ક્ષતિગ્રસ્ત
જણાવવામાં આવ્યું છે કે થાણેમાં બોરવેલ ખોદવાને કારણે આ વોટર ટનલને નુકસાન થયું છે. જેના કારણે મોટા પ્રમાણમાં પાણી લીકેજ થાય છે. પાણીના લીકેજને રિપેર કરવા માટે વોટર ટનલને સંપૂર્ણપણે બંધ કરવાની જરૂર છે અને તે સમય દરમિયાન પર્યાયી પાઈપલાઈન દ્વારા ભાંડુપ કૉમ્પલેક્સમાં આવેલા વોટર ફિલ્ટર પ્લાન્ટમાં પણી લાવવામાં આવશે. પર્યાયી પાણીપુરવઠો વ્યવસ્થા ચાલુ કરવા માટે અમુક અત્યાવશ્યક ફેરફાર કરવા આવશ્યક છે. પર્યાયી વ્યવસ્થાને પણ અમુક ટેક્નિકલ કારણથી પૂર્ણ ક્ષમતાએ વાપરી શકાશે નહીં. તેથી હાલ ભાંડુપ કોમ્પલેક્સમાં જેટલા પ્રમાણમાં પાણી પર પ્રક્રિયા થાય છે, તેટલા પ્રમાણમાં પાણી પર પ્રક્રિયા શક્ય નહીં હોય. તેથી 30 દિવસ માટે 15 ટકા પાણીકાપ લાદવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ગત સોમવારે બપોરે મુંબઈમાં મુલુંડ ઓક્ટ્રોય ચેકપોસ્ટ નજીક વોટર કલ્વર્ટના નિર્માણ દરમિયાન પાણીની મુખ્ય પાઇપલાઇનને નુકસાન થયું હતું અને તે ક્ષતિગ્રસ્ત થઇ હતી. આનાથી પાણીનો સપ્લાય કરતી 2,345 mm મુંબઈ-2 મેઈનલાઈનને અસર થઈ હતી. લાખો લીટર કિંમતી પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું અને આસપાસના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જે બાદ BMCએ 29 માર્ચ સુધી લગભગ અડધા શહેરમાં 15 ટકા પાણી કાપની જાહેરાત કરી હતી. જેમાં દક્ષિણ મુંબઈ અને પૂર્વ ઉપનગરોના મોટાભાગના વિસ્તારોનો સમાવેશ થાય છે.