News Continuous Bureau | Mumbai
ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર મોટી કાર્યવાહી કરી છે. ડીઆરઆઈ એ આફ્રિકન શહેર લાગોસથી મુંબઈ આવેલા એક મુસાફર પાસેથી દારૂની બે બોટલમાં લાવવામાં આવેલ 3 કિલો 56 ગ્રામ લીકવીડ કોકેઈન (Liquid cocaine) જપ્ત કર્યું છે. આ કોકેઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 20 કરોડ રૂપિયા છે. દારૂની બોટલોમાંથી ડ્રગ્સની દાણચોરીની આ નવી પદ્ધતિથી અધિકારીઓ પણ મુંઝવણમાં મુકાયા હતા.
ડીઆરઆઈની ટીમે એરપોર્ટ પર ગોઠવ્યું છટકું
મીડિયા રિપોર્ટ્સ મુજબ ડીઆરઆઈની ટીમને માહિતી મળી હતી કે વિદેશથી એક વ્યક્તિ કોકેઈન લઈને મુંબઈ (Mumbai) ના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રહ્યો છે. તે મુજબ ડીઆરઆઈની ટીમે એરપોર્ટ પર છટકું ગોઠવ્યું હતું. એક યાત્રી ગુરુવારે સવારે લાગોસથી એડિસ અબાડા થઈને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: 2 વર્ષના બાળકને ફ્લેટમાં એકલા મૂકીને માતા-પિતા રજા પર ગયા, હવે ધરપકડ થઈ…
પેસેન્જર વિરુદ્ધ કેસ નોંધી કરી ધરપકડ
ડીઆરઆઈ અધિકારીએ તેની બેગ તપાસી. તે સમયે તેની પાસેના થેલામાં વિદેશી બ્રાન્ડની બે દારૂની બોટલો હતી. જ્યારે બોટલોની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં દારૂને બદલે કોકેઈન (liquid cocaine) હતો. ડીઆરઆઈએ કાર્યવાહી કરીને 3.56 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. જપ્ત કરાયેલા કોકેઈનની કિંમત 20 કરોડ રૂપિયા છે. NDPS એક્ટ હેઠળ પેસેન્જર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે ડીઆરઆઈ એ તપાસ કરી રહી છે કે તે કોકેઈન ભરેલી દારૂની બોટલો કોને આપવાનો હતો.
દાણચોરીનું નવું સ્વરૂપ
વિદેશી તસ્કરો ડ્રગ સોનું અને ચલણની દાણચોરી માટે નવી તરકીબ સાથે આવે છે. ડીઆરઆઈનું કહેવું છે કે દારૂની બોટલની અંદર કોકેઈનની દાણચોરીનું આ એક નવું સ્વરૂપ છે. આલ્કોહોલની બોટલમાં પ્રવાહી સ્વરૂપમાં કોકેન તપાસવું મુશ્કેલ છે.