News Continuous Bureau | Mumbai
મુંબઈના પ્રખ્યાત ઝવેરી બજારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ ‘સ્પેશિયલ 26’ જેવું જ બન્યું છે. આ ફિલ્મમાં નકલી અધિકારી બનીને લૂંટ ચલાવવામાં આવી હતી. બરોબર આવી જ રીતે ઇડીના નકલી અધિકારીઓએ દરોડા પાડીને કરોડો રૂપિયાની લૂંટ ચલાવી હતી. વાસ્તવમાં ઈડીના નામ પર લોકોનો પરસેવો છૂટી જાય છે. તેનો ફાયદો ઉઠાવીને બદમાશોએ નકલી ED ઓફિસર બનીને ઝવેરી બજારમાં દરોડા પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝવેરી બજારમાં એક વેપારીની ઓફિસમાં 4 અજાણ્યા શખ્સોએ દરોડો પાડ્યો હતો. તેમણે ED ઓફિસર તરીકેની ઓળખ આપીને વેપારી પાસેથી 1.75 કરોડ રૂપિયાનું સોનું અને 25 લાખ રૂપિયા રોકડ લઇને ફરાર થઇ ગયા. લૂંટ કરનારાઓની હિંમતનો અંદાજ એ વાત પરથી આવે છે કે તેમણે વેપારીની ઓફિસમાં એક કર્મચારીની હાથકડી પણ પહેરાવી દીધી. વેપારીની ફરિયાદ પર એલએલ રૂટ પોલીસે કલમ 394,506 (2) અને 120 બી હેઠળ ચાર અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે આરોપીની શોધ શરૂ કરી હતી. દરમિયાન, લોકમાન્ય તિલક માર્ગ પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે, અને તેમની તપાસ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો: કોરોના મુક્ત થયું મુંબઈ! પાલિકાની મહેનત રંગ લાવી, રોગચાળો શરૂ થયા પછી પહેલીવાર ઝીરો કોવિડ કેસ
મહત્વનું છે કે મુંબઈના આવા વ્યસ્ત ઝવેરી માર્કેટમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાથી ઘણા વેપારીઓ ચિંતિત બન્યા છે. બોગસ ED અધિકારીઓ દ્વારા મુંબઈના ઝવેરી બજાર વિસ્તારમાં દરોડા પાડીને કરોડો રૂપિયાની લૂંટનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગ દ્વારા નકલી દરોડા પાડીને લૂંટની ઘટના બની ચુકી છે.