મુંબઈમાં શરૂ થયેલી નવી મેટ્રો લાઇન 7 અને 2A લોકો માટે ખૂબ જ ખાસ છે. મેટ્રો લાઇન શરૂ થવાથી એક તરફ લોકોને રાહત મળી છે તો બીજી તરફ તેમની મુસાફરી પણ આરામદાયક બની છે. તેની લોકપ્રિયતા જોઈને હવે મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન (MMMOCL) એ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને વધુ એક ભેટ આપી છે. મેટ્રોમાં મુસાફરી કરવા માટે માસિક ટ્રીપ પાસ શરૂ કરવામાં આવ્યો છે.
હવે તમે માત્ર 80 રૂપિયાનો ટ્રીપ પાસ લઈને મુંબઈ મેટ્રોમાં આખો દિવસ મુસાફરી કરી શકો છો. આ સાથે, MMMOCLએ ‘મુંબઈ-1’ કાર્ડનો ઉપયોગ કરીને મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરોને વિશેષ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આ મુજબ, 30 દિવસના સમયગાળામાં 45 વખત મેટ્રોમાં મુસાફરી કરનારા મુસાફરો માટે મૂળ ભાડા પર 15 ટકા અને 30 દિવસમાં 60 વખત મુસાફરી કરનારા મુસાફરોને 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ડિસ્કાઉન્ટની માન્યતા 30 દિવસની અવધિ સુધી મર્યાદિત છે.
નોંધપાત્ર વાત એ છે કે, 19 જાન્યુઆરીએ મેટ્રો 2A અને 7નું સંપૂર્ણ સંચાલન પીએમ મોદીના હસ્તે શરૂ થયું હતું. સાથે સાથે ‘મુંબઈ-1’ કાર્ડ પણ શરૂ કરવામાં આવ્યું હતું. કમિશનર શ્રીનિવાસે કહ્યું કે ‘મુંબઈ-1’ કાર્ડથી અત્યાર સુધીમાં 17 લાખ લોકોએ મુસાફરી કરી છે. તેનો ઉપયોગ વધારવા માટે હવે ઓફરની જાહેરાત કરવામાં આવી છે. તે પ્રીપેડ સ્વરૂપમાં નેશનલ કોમન મોબિલિટી કાર્ડ છે. મુંબઈ મેટ્રો સિવાય દેશના અન્ય મેટ્રોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
અનલિમિટેડ ટ્રિપ પાસ
કમિશનરે જણાવ્યું હતું કે મુંબઈ મેટ્રો દ્વારા મુંબઈમાં વિવિધ સ્થળોએ જતા મેટ્રો મુસાફરો માટે ‘અનલિમિટેડ ટ્રિપ પાસ’ની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક દિવસના અનલિમિટેડ ટ્રિપ પાસની કિંમત 80 રૂપિયા હશે, જ્યારે ત્રણ દિવસનો અનલિમિટેડ ટ્રિપ પાસ 200 રૂપિયામાં મળશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની લોકલ ટ્રેનમાં ભાન ભુલ્યુ કપલ, જાહેરમાં કર્યું આવું કામ.. જુઓ વાયરલ વીડિયો…
મુંબઈ-1 કાર્ડ બેસ્ટમાં પણ કામ કરશે
મુંબઈ મેટ્રોના પ્રવાસીઓ મુંબઈ મેટ્રો ટિકિટ કાઉન્ટર્સ અને કસ્ટમર કેર કાઉન્ટર્સ પર ન્યૂનતમ દસ્તાવેજો સાથે તેમનું ‘મુંબઈ-1’ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સરળતાથી મેળવી અને રિચાર્જ કરી શકે છે. આ કાર્ડનો ઉપયોગ રિટેલ આઉટલેટ્સ અને બેસ્ટ બસની મુસાફરી દરમિયાન થઈ શકે છે. આ કાર્ડમાં મહત્તમ રૂ. 2,000 અને ન્યૂનતમ રૂ. 100નું રિચાર્જ હશે.
લોકલ ટ્રેન માટે પ્રયાસ ચાલુ
કમિશનરે કહ્યું કે મુંબઈવાસીઓ લોકલ ટ્રેનોમાં પણ નેશનલ કોમન મોબિલિટી કાર્ડનો ઉપયોગ કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, અત્યાર સુધી મુંબઈ-1 કાર્ડ પર સોમવારથી શનિવાર સુધી 5 ટકા ડિસ્કાઉન્ટ, રવિવાર અને રાષ્ટ્રીય રજાઓ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું. નવી ટ્રિપ પાસ સ્કીમ ટિકિટિંગ પ્રક્રિયાને સરળ બનાવશે અને પ્રવાસીઓ માટે સમય અને નાણાં બચાવશે.